Mysamachar.in-અમદાવાદ:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યા એટલી હદે વકરી ચૂકી છે કે, કોર્પોરેશનો દ્વારા આ બાબતે થતી રૂટિન કામગીરી હવે હાસ્યાસ્પદ પૂરવાર થઈ રહી છે. કાલે મંગળવારે વડી અદાલતે સરકારને વધુ એક વખત આ બાબતે કઠોર શબ્દો સુણાવ્યા. રખડતાં પશુઓ મુદ્દે કાલે મંગળવારે વડી અદાલતમાં સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ બચાવમાં જણાવ્યું હતું કે, સરકાર આ મુદ્દાને ગંભીર લેખી રહી છે, પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે, કામગીરીઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કમલ ત્રિવેદીની રજૂઆત પછી વડી અદાલતે એટલું જ કહ્યું કે, રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. અદાલતે તાજેતરના રાજકોટનાં આવા એક બનાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.