Mysamachar.in:અમદાવાદ
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી ભર ઉનાળે કેટલાય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ બનતા ખાસ તો ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને સરકાર પણ સતર્ક બની છે, ખુદ મુખ્યમંત્રીએ ગત રવિવારે જીલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ કરી અને સર્વે સહિતની વિગતો મેળવી હતી, એવામાં આજે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તિએ નવી આગાહી આપતા જણાવ્યું કે, આજે વધુ એક સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી ત્રણ દિવસ ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, આજે કચ્છ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અને ગુજરાતમાં 23 માર્ચ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.
એક પછી એક સિસ્ટમ બની રહી છે જેના કારણે માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 22 માર્ચનાં રોજ વરસાદી માહોલ યથાવત રહેશે. આ રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, રાજકોટ, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, કચ્છમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.