Mysamachar.in-સુરત:
જામનગર હોય કે સુરત, અમદાવાદ હોય કે રાજકોટ- ઘાતક અકસ્માતોનો સિલસિલો સતત આગળ વધી રહ્યો છે અને નિર્દોષ લોકોના બલિદાનો લેવાઈ રહ્યા છે. અફસોસની વાત એ છે કે, ઘાતક અકસ્માતો ઘટાડવાની દિશામાં, કોઈ પણ સ્તરે, કોઈ પણ પ્રકારની કાર્યવાહીઓ કે કામગીરીઓ, ક્યાંય પણ થતી નથી. જાણે કે, આ અતિશય ગંભીર બાબતે કોઈ જ સંવેદનશીલ નથી- એવી બિહામણી સ્થિતિઓ જોવા મળી રહી છે.
જામનગરના સિક્કા નજીક બે જિંદગીઓ એક કાળમુખા ટ્રકે ચગદી નાંખી. એ સમાચાર સાથે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, સુરતના એક ગ્રામ્ય વિસ્તારમાં એક આવા જ જીવલેણ અકસ્માતમાં એકસાથે ચાર-ચાર જિંદગીઓ મોતની ઉંઘમાં કાયમ માટે સરી પડી. એક પરિવારના સભ્યો લગ્નપ્રસંગની ખુશીઓ માણી, ઘર તરફ પરત જઈ રહ્યા હતાં ત્યારે આ અમંગળ ઘટના બની હોવાનું બહાર આવ્યું છે.
સુરતના ગ્રામ્ય વિસ્તાર માંડવીના ગામતળાવ ગામના પાટીયા નજીક માંડવી-ઝંખવાવ રોડ પર આ ભયાનક અકસ્માત થતાં આ રોડ પર મરણચીસો ગાજી ઉઠી હતી. આ અકસ્માતમાં 4 મોતનો અને 6 ને ઈજાઓનો અહેવાલ છે. એક બોલેરો ટેમ્પો અને ટ્રક વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ બંને વાહનો વચ્ચે ભયંકર ટક્કર થયેલી એમ ઈજાગ્રસ્ત લોકોએ જણાવ્યું. એમ જાણવા મળેલ છે કે, એક શ્રમિક પરિવારના કેટલાંક સભ્યો પિકઅપ બોલેરો વાહનમાં ઉમરપાડાથી તાપી તરફ જતાં હતાં ત્યારે, આ ખોફનાક અકસ્માત સર્જાયો. મૃતકો ઉમરપાડાના નિંદવાણ ગામના હોવાનું જાણવા મળે છે. માંડવી પોલીસે મૃતદેહોનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની અન્ય કામગીરીઓ હાથ ધરી છે.
