Mysamachar.in-રાજકોટ:
રાજ્યમાં નકલીની બોલબાલા ચોતરફ છે, ક્યારેક નકલી અધિકારીઓ તો ક્યારેક નકલી કચેરીઓ અને નકલી જજ પણ ઝડપાઈ રહ્યા છે આ તમામ નકલીની ભરમાર વચ્ચે સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ નકલીનો ખેલ અસલી પોલીસે થોડા મહિનાઓની મહેનત બાદ વીંખી નાખ્યો છે રૂપલલના સાથે મજા કરી બહાર નીકળેલ યુવકને દમદાટી મારી પૈસા પડાવનાર નકલી પોલીસમેં અસલીના હાથમાં આવી ગયો છે,
કણકોટમાં રહેતા એક યુવકે નકલી પોલીસ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પોલીસ ફરિયાદમાં યુવકે જણાવ્યું હતું કે, ગત તા.20 જુલાઇની રાત્રીના 9.30 વાગ્યે પોતે પોતાની કાર લઇને બસ સ્ટેશન પાછળ આવેલી ચાની દુકાને ચા પીતો હતો ત્યારે એક મહિલા ત્યાં ઊભી હતી અને તેની સામે ઇશારા કરતી હતી, મહિલા કોલગર્લ હોવાનું લાગતાં યુવક તેની નજીક ગયો હતો અને વાતચીત કરતાં મહિલાએ શરીરસુખ માટે રૂ.1500 કહ્યા હતા, તે યુવતીને લઇને બસ સ્ટેશન પાસે આવેલી હોટેલમાં લઇ ગયો હતો અને તેની સાથે રંગરેલિયા મનાવી નીચે ઉતરી પોતાની કાર લઇને રવાના થયો હતો.
ત્યાંથી થોડે દુર ગયો તો એક સ્કૂટર ધસી આવ્યું હતું અને સ્કૂટર ચાલકે કાર ઊભી રખાવી પોતાની ઓળખ પોલીસ કર્મચારી તરીકે આપી લાઇસન્સ માગ્યું હતું. યુવક લાઇસન્સ બતાવતા નકલી પોલીસે તે હોટેલમાં એક છોકરી સાથે ખરાબ કામ કર્યું છે તારે પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહી તે કારમાં બેસી ગયો હતો. ભક્તિનગર સર્કલથી આગળ કાર પહોંચી હતી ત્યારે તે શખ્સે પોલીસ ચોકીએ જવું છે કે અહીં વહીવટ પતાવવા છે તેમ કહી રૂ.1.50 લાખ માગ્યા હતા.
આટલા રૂપિયાની સગવડ થઇ શકે તેમ નથી તેમ કહેતા પોલીસનો સ્વાંગધારી શખ્સ તેને ધમકાવવા લાગ્યો હતો અને હોટેલમાં જે કર્યું છે તે અંગે કેસ થશે તેમ કહી રૂ.40 હજારની માગ કરી હતી, આ મામલે એ.ડિવિઝ્ન પોલીસ સ્ટેશનમાં અરજી કરતાં પોલીસે તપાસ શરૂ કરી હતી, જેમાં ટીમે હોટેલથી ઘટનાસ્થળ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં એ શખ્સના ફૂટેજ મળ્યા હતા.
ઝડપાયેલ શખ્સનું નામ અલ્તાફ દિલાવર ખેરડિયા હોવાનું ખુલ્યું હતું, અલ્તાફ અગાઉ નવ ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. અલ્તાફ ખેરડિયાએ આવા અનેક લોકોને પોતાની જાળમાં ફસાવ્યાની શંકા સેવાઇ રહી છે.જેને આધારે પોલીસ વિશેષ તપાસ તજવીજ કરી રહી છે.(symbolic image)