Mysamachar.in:ગાંધીનગર
રાજ્યનાં પ્રધાનમંડળની સાપ્તાહિક બેઠક કાલે બુધવારે પાટનગરમાં મુખ્યમંત્રીનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી જેમાં રખડતાં પશુઓની સમસ્યા મુદ્દે વધુ એક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો જેની જાણકારી બેઠક બાદ પ્રવક્તામંત્રીએ પત્રકારોને આપી હતી.પ્રધાનમંડળની બેઠક બાદ પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલએ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં રખડતાં ઢોરની સમસ્યાને લઇને સરકાર ચિંતિત અને કાર્યરત છે. તેઓએ કહ્યું હતું કે, આ સમસ્યાના નિવારણ માટે વધુ એક નિર્ણય આજની બેઠકમાં લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે તેઓએ કહ્યું હતું કે, નાગરિકોને રખડતાં પશુઓનાં ત્રાસમાંથી મુક્ત કરાવવા સરકાર અનેક પગલાંઓ ભરી રહી છે. આગામી સમયમાં રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં રખડતાં આખલાઓના ખસીકરણ માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
પ્રવકતામંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં રાજયની 8 મહાનગરપાલિકાઓ, 156 પાલિકાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં આ ઝુંબેશ હેઠળ 1 વર્ષની ઉંમરથી મોટાં અંદાજે 50,000થી વધુ આખલાઓનું રસીકરણ કરવામાં આવશે. તેઓએ કહ્યું હતું કે, આ ઉપરાંત રાજ્યભરમાં પશુઓ માટે 105 જેટલાં કેટલ પોન્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.
રાજય સરકારનાં આ નિર્ણયો આગામી સમયમાં શું પરિણામો આપશે ? સમસ્યાનું કેટલાં અંશે સમાધાન મળશે ? વગેરે પ્રશ્નોના જવાબો સમય આવ્યે ખ્યાલ આવશે. અત્રે નોંધનીય મુદ્દો એ પણ છે કે, હાલમાં જામનગર સહિતના રાજ્યનાં મહાનગરોના મુખ્ય માર્ગો પર તથા રહેણાંક વિસ્તારોમાં હજારોની સંખ્યામાં જે પશુઓ રઝળી રહયા છે, નગરપાલિકાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે રખડતાં ઢોર જોવા મળી રહ્યા છે અને તેને કારણે નાગરિકો હાલમાં જે તકલીફો વર્ષોથી સહન કરી રહ્યા છે, તે મુદ્દે આગામી પાંચ પંદર દિવસમાં શું ફેર પડી શકે ?! આ સમસ્યાનો નજીકનાં સમયમાં કોઈ ઉકેલ આવે તેવાં કોઈ અસરકારક ઉપાયો શા માટે અજમાવવામાં આવતાં નથી ?! એ પ્રશ્ન રાજ્યનાં કરોડો નાગરિકોને નડે છે, કનડે છે અને પજવે છે.