Mysamachar.in-જામનગર:
જામનગરની એક અગ્રણી શિપિંગ કંપનીએ તાજેતરમાં ગુજરાત ભાજપાના મહિલા અગ્રણીના પુત્રના ડાયરેક્ટરપદવાળી એક કંપની વિરુદ્ધ રૂ. સાડા આઠ કરોડ વસૂલ લેવા એક ફરિયાદ દાખલ કરેલી, ત્યારબાદ ગણતરીના દિવસોમાં આ જ કંપની વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ થઈ જેમાં રૂ. સાત કરોડનો મામલો છે. આ બીજી ફરિયાદ પણ જામનગરની જ અન્ય એક પેઢી NCLTમાં કરાઈ છે.
જામનગરની સિદ્ધિ મરીન સર્વિસ નામની કંપનીએ આ ફરિયાદ NCLT માં કરી છે. જે કંપની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે તે કંપનીનું નામ RCC લિમિટેડ છે. આ કંપનીના એક ડાયરેક્ટરનું નામ મૌલિન ભાવેશભાઈ આચાર્ય છે, જે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા અને કચ્છ ભાજપાના મહિલા અગ્રણી નિમાબેન આચાર્યના પુત્ર છે. આ કંપનીના અન્ય ડાયરેક્ટરોના નામો નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા, દિલીપ નાનુભાઈ શાહ અને પારસ ચૌધરી છે.
આ લેણદાર અને દેણદાર કંપનીઓ વચ્ચે 2016-17થી માંડીને 2020-21 દરમિયાન ધંધાકીય સંબંધો હતાં. જામનગરની કંપનીએ આ દેણદાર કંપનીને શિપિંગ સંબંધિત વિવિધ સર્વિસીઝ પૂરી પાડી હતી. હાલ આ મામલો NCLT એટલે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ચાલી રહ્યો છે.NCLTમાં દાખલ થયેલ આ ફરિયાદમાં ફરિયાદી પક્ષે વકીલ તરીકે રાજેશ સવજાણી અને હિતેન ભટ્ટ રોકાયા છે.

મહત્વનું છે કે કચ્છની રિગલ શિપીંગ માટે વર્ષ 2016/17 માં તેમજ વર્ષ 2018-2021 દરમ્યાન આર.સી.સી.લિ.કંપની માટે જામનગરની સિધ્ધી મરિન સર્વીસ એલ.એલ.પી.એ કાર્ગો હેન્ડલીંગ, સ્ટીવડોરીંગનું કામ તેમજ બાર્જનું કામ કર્યું હતું જેના બીલની રકમ પેટે કચ્છની કંપનીએ વર્ષ 2022 માં થોડા નાણાં જામનગરની કંપનીને ચુકવ્યા હતાં. પરંતુ હજુ સુધી બીલની રકમ તથા વ્યાજ સહિતની રૂા.6,95,88,716 ની રકમ ચુકવવામાં આવી નથી જેથી જામનગરની સિધ્ધી મરીન સર્વીસ એલ.એલ.પી.એ. કચ્છના ગાંધીધામ સ્થિત આર.સી.સી.લિમિટેડ (રિંગલ શિપીંગ પ્રા.લિ.) સામે આ લ્હેણી રકમ વસુલવા માટે નેશનલ લો ટ્રીબ્યુનલમાં કેસ નોંધાવ્યો છે.
