Mysamachar.in-ગાંધીનગર:
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ મુખ્ય કમિશનરનાં નેતૃત્વ હેઠળ રાજ્યમાં બે દિવસની મુલાકાતે આવી તે દરમિયાન, મંગળવારે સાંજે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા પાટનગર ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને પત્રકારોને ચૂંટણી સંબંધી સતાવાર વિગતો અને માહિતીઓ આપવામાં આવી હતી.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે આ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે,
રાજ્યમાં જયારે પણ વિધાનસભા ચૂંટણીની સતાવાર જાહેરાત કરવામાં આવશે, સૌ પ્રથમ પત્રકારોને જાણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણીનાં સંભવિત સમય અંગે ઘણાં મહાનુભાવો પોતાની વ્યૂહરચના ગોઠવવા નિવેદનો આપતાં રહેતાં હોય છે. આ મહાનુભાવોને આડકતરો ઇશારો કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરે આ મહાનુભાવોને ‘ સ્વ નિયુક્ત જ્યોતિષી ‘ લેખાવી બ્રિલિયન્ટ ટકોર હળવી રીતે કરી લીધી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 2023 ની 12 મી ફેબ્રુઆરીએ પૂર્ણ થાય છે. રાજ્યમાં પચાસ ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશે. જેથી સુરક્ષિત વાતાવરણમાં મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે. પ્રત્યેક વિધાનસભા મતવિસ્તારમાં સાત મતદાન મથકો મહિલા સંચાલિત રહેશે જ્યાં પોલીસકર્મીઓ પણ મહિલા જ રાખવામાં આવશે. અને, બેઠકદીઠ એક એક મતદાન મથક દિવ્યાંગ સંચાલિત રહેશે.
આ ઉપરાંત 80 વર્ષથી મોટી ઉંમરના મતદારોને ઘરેથી મતદાન મથકો સુધી લાવવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે. એ પહેલાં સોમવારે ચૂંટણી પંચે રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી, જેમાં BJP, કોન્ગ્રેસ, NCP, CPI તથા આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. ચૂંટણીમાં કોઈ પણ મતદારને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન થાય તે ખાસ જોવામાં આવશે, એમ મુખ્ય કમિશનરે જણાવ્યું હતું.