Mysamachar.in-ગુજરાત;
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં નેતાઓ ઉપરાંત કરોડો મતદારો વિધાનસભા ચૂંટણીનો ઈંતજાર કરી રહ્યા છે. સૌનાં મનમાં એક જ પ્રશ્ન: ચૂંટણીની જાહેરાત કયારે થશે ?! ચૂંટણીની તારીખો કઈ હશે ? ચૂંટણી કેટલાં તબક્કામાં થશે ? વગેરે ચર્ચાઓ ઉતેજના સાથે ચર્ચાઈ રહી છે. દરમિયાન, એવું જોવા મળી રહ્યું છે કે – ચૂંટણીની જાહેરાત 20 ઓક્ટોબર પછી ગમે ત્યારે થઈ શકે છે.
કેન્દ્રીય ચૂંટણી પંચનાં ડેપ્યુટી ઇલેક્શન કમિશનર હ્રદયેશકુમાર આગામી 16 ઓક્ટોબરે ગુજરાતમાં આવી રહ્યા છે. તેઓ 20 ઓક્ટોબર સુધી અહીં રોકાશે. સમગ્ર રાજયની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. દરમિયાન ગુજરાત ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ કેવી છે ? તેની આખરી સમીક્ષા કરવામાં આવી રહી છે. કેન્દ્રીય DEC ની 20 મીએ ગુજરાત મુલાકાત સંપન્ન થયાં પછીનાં એકાદ સપ્તાહમાં ચૂંટણી જાહેરાત દિલ્હીથી થવા સંભવ છે.
અત્રે નોંધનીય છે કે, 2017 માં રાજયની ચૌદમી વિધાનસભા માટેની ચૂંટણી જાહેરાત 25 ઓક્ટોબરે થઈ હતી. જો કે ત્યારે દીવાળી અને નૂતન વર્ષાભિનંદનના તહેવારો પૂર્ણ થઈ ગયા હતા. DEC ગુજરાતનાં ચારેય ઝોનનાં ચૂંટણી અધિકારીઓ સાથે આખરી સમીક્ષા કરી, પોતાનો રિપોર્ટ દિલ્હી સોંપશે. તે પછી ગમે ત્યારે, એટલે કે 20 ઓક્ટોબર પછીનાં સપ્તાહમાં ચૂંટણી જાહેરાત થઈ શકે છે.






