Mysamachar.in-જામનગર:
ગુજરાતમાં હંમેશા માટે સરકાર અને સસ્તા અનાજના દુકાનદારો વચ્ચે ખટાશ-કડવાશ જોવા મળી છે. અનેકવખત હડતાળો અને સમાધાન થયા છે. આમ છતાં આજની તારીખે દુકાનદારોની એવી ઘણીયે માંગ છે જે સંબંધે સરકાર દાદ ન આપતી હોય, દુકાનદારોએ વધુ એક વખત હડતાળનું એલાન જાહેર કરી દીધું છે, જો કે જામનગરમાં તંત્ર પાસે આ વિગતો સત્તાવાર રીતે પહોંચી નથી.
સરકારે તાજેતરમાં એવો પરિપત્ર જાહેર કર્યો કે, પૂરવઠાતંત્રની તકેદારી સમિતિની બેઠક યોજવામાં આવે ત્યારે, સમિતિના ઓછામાં ઓછા 80 ટકા સભ્યએ હાજર રહેવું પડશે અને એમણે બાયોમેટ્રિક હાજરી પણ પૂરાવવાની રહેશે. રાજ્યભરના સસ્તા અનાજના દુકાનદારોએ સરકારના આ પરિપત્રનો પણ વિરોધ કર્યો છે અને હડતાળ માટે પોતાની પડતર માંગણીઓ આગળ કરી છે.
સસ્તા અનાજના દુકાનદારોના એસોસિએશનોએ જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જાહેર કરી દીધું છે કે, પડતર માંગણીઓના અનુસંધાને રાજ્યકક્ષાએથી નિર્ણય થયો છે કે, પહેલી નવેમ્બરથી રાજ્યની સસ્તા અનાજની બધી જ દુકાનો બંધ રહેશે. કાર્ડધારકોને અનાજ વિતરણ નહીં થાય. આમ થશે તો રાજ્યમાં મોટો દેકારો મચી જશે.
આ હડતાળમાં જામનગર એસોસિએશન પણ જોડાયું છે. જો કે, સ્થાનિક પૂરવઠા અધિકારી એસ.બી.બારડ કહે છે, અમોને આ હડતાળ અંગે કોઈના દ્વારા કશી જ જાણકારીઓ આપવામાં આવી નથી. તેમણે એ સ્વીકાર કર્યો કે, તકેદારી સમિતિ સંબંધે સરકારમાંથી પરિપત્ર આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સર્વર ડાઉન- કમિશન મળવામાં વિલંબ વગેરે સંખ્યાબંધ માંગણીઓ સંબંધે સસ્તા અનાજ દુકાનદારોએ આ અગાઉ ઘણી વખત સરકારમાં રજૂઆત કરી છે પરંતુ સરકાર દાદ આપતી ન હોય, આખરે દુકાનદારોએ આ નવા વર્ષમાં જૂની બાબતો ફરી તાજી કરી નવેસરથી મોરચો માંડી દીધો છે. જો કે, પહેલી નવેમ્બર આડે હજુ ઘણાં દિવસ બાકી હોય, એવું પણ બની શકે કે, હડતાળનું એલાન પરત પણ ખેંચાઈ જાય. ભૂતકાળમાં આમ ઘણી વખત બન્યું પણ છે.


