Mysamachar.in-જામનગર:
રખડતાં પશુઓના ત્રાસનો મામલો જામનગરથી માંડીને છેક અમદાવાદ સુધી, બધે જ, વર્ષોથી ચર્ચાઓમાં છે. આ મામલામાં ચર્ચાઓ સિવાય કશું જ થતું નથી. ખુદ હાઈકોર્ટ પણ આકરાં ઠપકાના રૂપમાં, આ મુદ્દે એક કરતાં વધુ વખત સરકારને ‘ઢોરમાર’ ફટકારી ચૂકી છે. પરંતુ તંત્રની ચામડી ઢોરની ચામડી કરતાં પણ જાડી છે, એવું અત્યાર સુધી સાબિત થયું છે. આ સ્થિતિઓ વચ્ચે, જામનગરનો રખડતાં પશુઓનો મામલો છેક પાટનગર ગાંધીનગરમાં ગાજયો.
જામનગરના એક નાગરિકે આ બાબતે જાગૃતિ દેખાડી. તેમણે રાજ્ય સરકારના પોર્ટલ પર સીધી ફરિયાદ કરી. જામનગરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ નાગરિકો વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ અને કામગીરીઓ સતત થઈ રહી છે. પરંતુ જે રસ્તાઓ પર વાહનો દોડે છે, એ રસ્તાઓ પર રખડતાં પશુઓ ખડકાયેલા હોય છે, પશુઓની આંતરિક લડાઈઓ થતી હોય, તેથી અકસ્માત થતાં હોય, લોકોના જીવ જતાં હોય- આ બધી બાબતોમાં કોઈ કામ થતું નથી.

લોકોની સ્થાનિક તંત્રો વિરુદ્ધની ફરિયાદો સાંભળવા સરકારે પબ્લિક ગ્રીવન્સીઝ નામનું પોર્ટલ રાખ્યું છે. જેમાં કોઇ પણ નાગરિક સીધી જ સરકારને ફરિયાદ કરી શકે. ઉચ્ચ અધિકારીઓ જવાબ આપે. આ પોર્ટલ પર જામનગરના હીરેન ગુઢકાએ રખડતાં પશુઓ મામલે ફરિયાદ કરી. શહેરમાં પશુઓને રખડતાં મૂકનારાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહીઓ કરવામાં આવતી નથી. બીજી તરફ ટ્રાફિક પોલીસ લોકોને સતત દંડ કરતી રહે છે. રસ્તાઓ પર નાગરિકો રખડતાં પશુઓ મામલે હેરાન થાય- તેનું શું ?
આ પોર્ટલ પર RTO કમિશનર(પૂર્વ કમિશનર, જામનગર મહાનગરપાલિકા) અનુપમ આનંદએ એવો ઉત્તર આપ્યો કે, જામનગર શહેરમાં રખડતાં પશુઓનો જે મામલો છે, તે મુદ્દાનો એજન્ડા તરીકે રોડ સેફટી કમિટીમાં સમાવેશ કરવામાં આવશે અને તેની ચર્ચાઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં રસ્તાઓ પર રખડતાં પશુઓને કારણે પણ ટ્રાફિક સમસ્યાઓ થઈ રહી છે. વર્ષો અગાઉ જામનગર શહેર SDM કોર્ટમાં પણ આ મુદ્દે ફરિયાદ થયેલી. ટૂંકમાં, અત્યાર સુધી રખડતાં પશુઓની ચર્ચાઓ શહેરમાં થતી, હવે જિલ્લાકક્ષાએ રોડ સેફટી કમિટીમાં ચર્ચાઓ થશે.(ફાઈલ તસ્વીર)