Mysamachar.in-ગાંધીનગર:
જામનગર સહિત રાજ્યભરમાં રખડતાં પશુઓનો ભયાનક ત્રાસ વર્ષોથી વિકરાળ સમસ્યા છે, તે સૌ જાણે છે. આ માટે વડી અદાલતે લાંબી કવાયત પણ કરી. અદાલતને સંતોષ આપવા સરકારે ખાસ કાયદો બનાવવા ખરડો તૈયાર કર્યો. અને, વિધાનસભામાં ખરડો પરત ખેંચી લેવામાં આવ્યો. તો શું અત્યાર સુધીની બધી કવાયતો ભૂલી જવાની ?! અદાલતની તથા શહેરી મતદારોની ચિંતાને અવગણીને સરકારે માલધારીઓને ખુશ કર્યા એ મુદ્દો આગામી ચૂંટણીમાં ઇવીએમમાં પડઘાઈ શકે છે. સરકાર હાલ કફોડી સ્થિતિમાં મૂકાઈ ચૂકી છે.
અમદાવાદ સહિત રાજ્યના તમામ શહેરોમાં રખડતાં પશુઓની સંખ્યા અને સમસ્યા વિકરાળ બની ચૂકી હોય, વડી અદાલતે રાજ્ય સરકારને અસંખ્ય વખત ઠપકાઓ આપ્યા. છેલ્લે તો અદાલતે ત્યાં સુધી કહ્યું કે, પશુ નિયંત્રણ મામલો માત્ર કાગળ પર હોવાનું દેખાય છે. અદાલતે સરકારને એમ પણ કહ્યું હતું કે, અત્યારે જ આ સમસ્યાનો ઉપાય કરો. અદાલતમાં સરકાર છેક સુધી પોતાની ચામડી બચાવતી રહી. અદાલતનાં આક્રોશને ઠારવા સરકારે પશુઓ માટે ખાસ નિયંત્રણ કાયદો લાવવા ખરડો તૈયાર કર્યો. જેમાં સજા- દંડ સહિતની આકરી જોગવાઈઓ દાખલ કરી. માલધારી સમાજે આ ખરડાનો વિરોધ કર્યો. રાજ્યપાલે બિલ મંજૂર કર્યા વિના સરકારને પરત મોકલી દીધું. સરકારે વિધાનસભામાં અધ્યક્ષની મંજૂરી પછી ખરડો પરત ખેંચી લીધો. ચૂંટણી માથે હોય, સરકારે મતો તૂટવાને ભયે માલધારીઓને ખુશ કરી દીધા…
સરકારે ખરડો પરત ખેંચતી વખતે એ ન વિચાર્યું કે, હવે હાઈકોર્ટમાં રખડતાં પશુઓનાં મુદ્દે સરકારની સ્થિતિ શું થશે ?! જવાબ આપવાની પણ જગ્યા નહીં રહે. વડી અદાલત વધુ આકરૂં વલણ અખત્યાર કરી શકે છે. અને, આ ખરડો પાછો ખેંચી લેવામાં આવતાં રાજ્યભરમાં લાખો શહેરી મતદારો નારાજ થશે, આ નારાજગી ઇવીએમનાં બટન મારફતે ચૂંટણી પરિણામમાં પશુઓની સમસ્યા કરતાં પણ મોટી પૂરવાર થશે તો અને ત્યારે સરકાર પાસે અફસોસ કરવા સિવાય કશું જ ન બચે – એવું પણ બની શકે, જો શહેરી મતદારો પોતાનો સંયુક્ત ગુસ્સો સંગઠિત રીતે ઇવીએમમાં ઠાલવે તો…..ટૂંકમાં, સરકારે આજની સમસ્યા, આદત મુજબ, કાલ પર ઠેલી હોવાનું દેખાઈ રહ્યું છે ! આ નિર્ણયનાં ઘેરાં પ્રત્યાઘાતો પડી શકે છે – એ મુદ્દો સરકારે વિચાર્યો જ નહીં ?! એ પ્રશ્ન પણ શહેરી મતદારોમાં તીવ્રતાથી ચર્ચાઈ રહ્યો છે. આ ચર્ચા પરિણામલક્ષી પૂરવાર થઈ શકે છે.