Mysamachar.in-જામનગર:
લોકોની માન્યતાઓ એવી હોય છે કે, જેલમાં સરકાર ઝનૂની કેદીઓને પણ ‘તોડી’ નાંખે અને નરમઘેંસ બનાવી નાંખે. પરંતુ થોડાં થોડાં સમયે રાજ્યની વિવિધ જેલનાં ‘કાંડ’ બહાર આવી રહ્યા હોય, હવે ઘણાં બધાં લોકો સમજી ગયા છે કે, આખરે તો જેલ સત્તાવાળાઓ પણ ‘માટીપગી’ પોલીસ છે અને તેથી તેને પણ ‘ખરીદી’ શકાય !!
હાલમાં જ જામનગરની જિલ્લા જેલ- વધુ એક વખત સમાચાર બની ગઈ. ફાલતૂ સરકારી, સામાજિક, ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો જેલમાં આયોજિત કરીને કેમેરા સામે ગોઠવાઈ જતાં, જેલના બે મુખ્ય અધિકારીઓને એક કાંડને કારણે અહીંથી ક્યાય દુર જવું પડ્યું અને તેથી જેલ સત્તાવાળાઓની ‘અસલિયત’ વધુ એક વખત અનાવરિત બની ગઈ.
તાજેતરમાં કોઈએ જેલના એક કાંડની વિગતો, લાંબી યોજનાના ભાગરૂપે, લીક કરી દીધી કે, સૌરાષ્ટ્રનું એક માથું પોતાના સાગરિતો સાથે જામનગરની આ જેલમાં ‘આંટો’ લગાવી ગયું ! આ મુલાકાત ગેરકાયદેસર હતી અને જેલ સત્તાવાળાઓએ આ કાંડ છાવરવા હવાતિયાં પણ મારી લીધાં, જો કે કારી ફાવી નહીં. SP પ્રેમસુખ ડેલુના ખાનગી રિપોર્ટે જેલ અધિકારીઓને ‘ઉઘાડા’ કરી નાંખ્યા અને આખરે રાજ્યના જેલોના વડા IPS ડો.કે.એલ.એન.રાવે આ મામલે મોટી કાર્યવાહી કરી જામનગરના ઇન્ચાર્જ અધિક્ષક અને જેલરને છેક ક્યાય દુર બદલી કરી નાખી અને દાખલો બેસાડી દીધો.

આ કાંડ બાદ જામનગર SP પ્રેમસુખ ડેલુએ જેલના CCTV ફૂટેજની પણ ચકાસણીઓ કરી, ખાનગી બાતમી એકત્ર કરી, અને વિગતો બહાર આવી ગઈ કે- રીબડાથી અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજકોટથી ભૂપત ભરવાડ તથા અન્ય એક શખ્સને સાથે રાખી, જેલમાં એન્ટ્રી કરેલી. આ અંગે જેલ સતાવાળાઓએ જરૂરી વ્યવસ્થાઓ કરી આપવામાં આવેલી. અને, આ 3 મુલાકાતીઓએ જેલમાં રહેલાં યશપાલસિંહ અને રજાક સોપારી સાથે ‘બેઠક’ કરી !!
આ અંગેની તપાસ દરમિયાન SPએ વિગતો એકત્ર કરી, ખાનગી રિપોર્ટ રાજ્યના જેલ સત્તાવાળાઓને મોકલ્યો. જે અનુસંધાને જેલ સુપ્રિટેન્ડેન્ટ મનુભા જાડેજાને હવે પછીની નોકરી માટે રાજપીપળા રવાના કરી દેવામાં આવ્યા. અને, જેલર દિવ્યરાજસિંહની હવે પછીની નોકરી અમરેલીમાં ગોઠવી દેવામાં આવી.
-અત્યંત વિશ્વસનીય સૂત્ર એમ જણાવે છે કે…
જામનગર જિલ્લા જેલમાં ખાસ બેરેકોમાં ડ્રાય ફ્રૂટ કચોરીઓ, સૂકોમેવો, જાણીતી દુકાનો અને હોટેલ રેસ્ટોરન્ટમાંથી સોડમદાર ખાદ્ય ચીજો જેલમાં આરામથી પીરસાતી. અને, આવી ચીજો આવતી હોય એ સ્થિતિઓમાં જેલમાં ‘નશો’ ન થતો હોય, એવું કોઈ માની શકે ? આ ઉપરાંત સૂત્ર એમ પણ કહે છે, જેલમાં અમુક કેદીઓ ‘બોસ’ તરીકેનો જલવો માણતાં હોય છે, જેલ અધિકારીઓ અને પરચૂરણ કર્મચારીઓને ગંદી ગાળો પણ આપતાં હોય, ખૂલ્લી દાદાગીરી પણ આચરતા હોય કેમ કે મહેમૂદના પિક્ચર માફક દુનિયાની જેમ જેલમાં પણ ‘સબ સે બડા રૂપૈયા’ સૂત્ર ચલણી હોય છે. આરામથી સૂવા મુલાયમ અને ભરાવદાર ‘ગાદલું’ પણ જેલમાં મેળવવું મુશ્કેલ નથી હોતું. ત્યાં સુધીની વિગતો બહાર આવી જતાં દોડધામ મચી ગઈ છે. કેટલાંક જેલ કર્મચારીઓ પણ અધિકારીઓ માફક ‘ફૂટેલાં’ હોય, પોતાના મોબાઈલથી ચોક્કસ કેદીઓને સંબંધિતો સાથે ‘વાત’ કરાવી આપવાની સુવિધાઓ પણ નાણાંના બદલામાં ઉપલબ્ધ કરાવી આપતાં હોય છે.
-નવા અધિક્ષક અગાઉ જામનગર ફરજ બજાવી ચુક્યા છે ફરી મુકાયા..
જેલમાં ચાલતા કાંડ સહિતની તમામ પ્રકારની બધી જ વિગતો અને માહિતીઓ રાજ્યના ગૃહવિભાગમાં પહોંચી ચૂકી હોવાનું પણ આધારભૂત સૂત્ર જણાવે છે. જો ખરેખર આમ બન્યું હશે તો, આગામી સમયમાં જામનગરની આ જેલમાં વધુ નવાજૂનીની પણ શકયતાઓ છે. ત્યારે ગત સાંજે ભૂતકાળમાં જામનગરની આ જેલમાં ‘સડો’ સાફસૂફ કરનાર, જેલ સુપ્રિટેન્ડેન્ટ વી.પી.ગોહિલને પાલનપુરથી ફરી અહીં જેલબોસ તરીકે જવાબદારીઓ સોંપવામાં આવી છે. લાગે છે કે, ઘણાંયના ‘રોટલા’ બંધ થઈ જશે.

-ઇન્ચાર્જ અધિક્ષકે કર્યો હતો આ રીતે બચાવ…
સમગ્ર મામલેજેલર જાડેજાએ પોતાનો બચાવ કરતા જેલ વડાને પત્ર લખ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મુલાકાતીઓ રક્તદાન કેમ્પના આમંત્રણ માટે આવ્યા હતા અને નિયમ મુજબ તેમની નોંધણી કરવામાં આવી હતી.