Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે મોટા પરિવારમાંથી આવતી વ્યક્તિને સંવેદના સાથે લગાવ હોય તેવુ જવલ્લેજ જોવા મળે છે પરંતુ કુદરત અમુક ખાસ વ્યક્તિનુ સર્જન કરે છે જે ખુબ જ દુર્લભ હોય છે જેમના સદગુણ અને સુઝકા ભરી સમજણથી તેમની સંપતિ દીપી ઉઠે છે કેમકે સંપતિને શાણપણ સેવા સાદગીનો શૃંગાર હોય છે આ દરેક બાબતોને એક સાથે જોવા મળી અને તે પણ જામનગરને દુનિયાના નકશામાં અજોડ સ્થાન આપનારના પરીવારમાં…..તો સહેજે થાય કે એ મહાન વ્યક્તિ કોણ હશે?? અને હા વ્યુઅર્સને જણાવીએ કે દરેક ગુણોના ધની તેમજ ખરા ધનવાન એકદમ યુવાન વ્યક્તિ છે,

દુનિયાના સૌથી ધનિક પરિવારના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ દાદા અને દાદીના આશિર્વાદ માતા-પિતાની યોગ્ય પરવરીશથી સાબિત કરી બતાવ્યું છે કે પોતે જે પરિવારમાંથી આવે છે તે સૌથી ધનિક પરિવાર છે છતાં પણ આ વ્યક્તિ એટલે કે અનંત અંબાણીમાં પશુ પક્ષીઓ પ્રત્યેની સંવેદના છે જે ખરેખર બિરદાવવા લાયક છે, અનંત અંબાણીએ માતા નીતા અંબાણી તરફથી મળેલ સત્કાર્યોના સંસ્કારનું સિંચન કરવાના ફળ સ્વરૂપ એવા પશુઓ કે જેનું કોઈ નથી તેની સારવાર સંભાળ શુશ્રુષા કરે છે જે વર્લ્ડ ક્લાસ કક્ષાની છે. જામનગર ખાતે મોટી ખાવડી સ્થિત “વનતારા” માં ખાસ તો જેમને પશુઓ પ્રત્યે ખુબ લગાવ છે તેના માટે કઈક કરી છૂટવાની ભાવના છે તે અનંત અંબાણીની સીધી દેખરેખ હેઠળ ખાસ તો હાથી અને ઉપરાંત સિંહ, વાધ દીપડા સહીતના અન્ય પ્રાણીઓની જે સંભાળ અને તેની સારવાર કરવામાં આવે છે તે કદાચ સમગ્ર વિશ્વમાં કોઈ જ જગ્યાએ નહિ થતી હોય તેવું કહેવું પણ અતિશયોક્તિ નહિ ગણાય…

શાસ્રો કહે છે કે સૃષ્ટીની કુદરતી સંપદા સૌ માટે છે માત્ર મનુષ્યો માટે જ નહી. આ વાતને અનંત અંબાણી હા….પરીવારમાં સૌથી નાના પરંતુ ગ્રેટ અનંત અંબાણીએ સાબિત કરી છે નાનપણથી તેમને મૂંગા જીવ માટે કઈક કરી છૂટવાના સંસ્કાર અને પ્રેરણા તેમના માતા નીતા અંબાણી પાસેથી મળી હતી અને ત્યારથી જ એક વર્લ્ડ ક્લાસ સારવાર અને સંભાળ આપવાના ઉદેશ્ય સાથે અનંત અંબાણીના માર્ગદર્શનમાં એક અલાયદી ટીમો અહી દેશ દુનિયાના અલગ અલગ વિસ્તારોમાંથી એવા પશુઓને અહી લાવે છે જેને ખરેખર સારવાર અને સંભાળની જરૂર છે.
-વનતારા વિશે જાણીએ
વનતારા ખાતે અત્યાધુનિક સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે.૧૦૦ એકરમાં “ઝૂ” નહિ પરંતુ એનિમલ કેર સેન્ટરથી પ્રાણીઓને એક અનોખી હુંફ મળી રહી છે , હાથીઓમાં આર્થરાઈટીસની બીમારી જોવા મળતી હોય છે, ત્યારે તેને જરૂરી તમામ ટ્રીટમેન્ટ અને 45 હાઈડ્રોથેરાપી તળાવ બનાવવામાં આવ્યા છે, જ્યાં હાથીઓની સારવાર માટે આયુર્વેદ અને એલોપોથી દવાનું મિશ્રણ ઉપરાંત મહાવતો જે જૂની પદ્ધતિઓ જાણતા હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે, આ સેન્ટરમાં કુલ ૪૩ એમ્બ્યુલન્સ છે આ દેશની હાથીની સૌથી સારી હોસ્પિટલ છે ત્યાં તમામ સુવિધા સાથે વિદેશી તબીબોની ટીમ અહી 24 કલાક ખડેપગે છે, હાલ અહી 200 હાથી અહી છે, માનવામાં આવે છે કે 55 વર્ષની આયુષ્ય એક હાથીની હોય છે,અહી જે હાથી હાલ છે તેમાંથી અડધા જેટલા મોટી ઉમરના હાથીઓ છે, ક્યાં હાથીને ક્યાં પ્રકારનો ખોરાક આપવો તેના માટે વાઈલ્ડ લાઈફ 18 જેટલા ન્યુટ્રીશન જે અહી ફરજ બજાવે છે તે નક્કી કરે છે, દરેક હાથીના અલગ નામો જેવા કે હનુમાન, બીટી, ગુલાબ કલી, ચંપા, જયંતિ વગરે સેન્ટર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, અનંત અંબાણી કહે છે કે આ માત્ર 20 % કામ થયું છે હજુ ઘણું કરવાનું બાકી છે, આ તો માત્ર નાની એવી ઝલક છે,
-વિશ્વકક્ષાની રીફાઇનરી વિશ્વકક્ષાનું ફાઉન્ડેશન અને વિશ્વકક્ષાનુ રીહેબીલીટેશન
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને આજે ભારત અને સમગ્ર વિશ્વના ઇજાગ્રસ્ત, પ્રતાડિત અને ભયગ્રસ્ત પ્રાણીઓના બચાવ, સારવાર, સંભાળ અને પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટેની એકછત્ર પહેલ વનતારા કાર્યક્રમની જાહેરાત કરી છે. ગુજરાતમાં રિલાયન્સના જામનગર રિફાઈનરી સંકુલમાં આવેલા ગ્રીનબેલ્ટની અંદર 3000 એકરમાં ફેલાયેલા, વનતારાનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે સંરક્ષણ પ્રયાસોમાં અગ્રણી પ્રદાનકર્તાઓમાં સ્થાન મેળવવાનો છે. પ્રાણીસંભાળ અને કલ્યાણના અગ્રણી નિષ્ણાતો સાથે કામ કરીને, વનતારાએ બચાવ કરેલા પ્રાણીઓ સુખેથી રહી શકે તે માટે 3000-એકરની વિશાળ જગ્યાને જંગલ સાથે સામ્યતા ધરાવતા કુદરતી, સમૃદ્ધ, હરીયાળા અને લીલાછમ રહેઠાણમાં રૂપાંતરિત કરી છે.
ભારતની અનન્ય વનતારા પહેલ, આરઆઈએલ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડના ડાયરેક્ટર અનંત અંબાણીના પ્રખર નેતૃત્વ હેઠળ પરિકલ્પિત થઈ છે અને અસ્તિત્વમાં આવી છે. અંબાણી જામનગરમાં રિલાયન્સના મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી બિઝનેસનું પણ નેતૃત્વ કરી રહ્યા છે, અને તે ક્ષમતામાં, 2035 સુધીમાં નેટ કાર્બન ઝીરો કંપની બનવાની રિલાયન્સની યાત્રાનું નેતૃત્વ કરે છે.
વનતારા અત્યાધુનિક આરોગ્યસંભાળ, હોસ્પિટલો, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રોના સમાવેશ સહિત પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠતમ પ્રાણી સંરક્ષણ અને સંભાળ પ્રથાઓ નિર્ધારીત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેના કાર્યક્રમોમાં, વનતારા અદ્યતન સંશોધન અને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓ જેમ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) અને વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ ફોર નેચર (WWF) સાથે અદ્યતન સંશોધન અને સહયોગને એકીકૃત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં, પ્રોગ્રામમાં 200 થી વધુ હાથીઓ અને હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપો અને પક્ષીઓને અસુરક્ષિત પરિસ્થિતિઓમાંથી બહાર કાઢીને બચાવ્યા છે. આ પહેલમાં ગેંડા, ચિત્તા અને મગર સહિતની મુખ્ય પ્રજાતિઓના પુનર્વસનની કામગીરી પણ કરવામાં આવી છે.તાજેતરમાં, વનતારાએ મેક્સિકો, વેનેઝુએલા વગેરે દેશોમાં વિદેશી બચાવ મિશનમાં પણ ભાગ લીધો છે. તાજેતરમાં મધ્ય અમેરિકન ઝૂ ઓથોરીટીના મદદના સાદને પ્રતિભાવ આપતાં ત્યાંથી ઘણાં મોટા પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રકારના તમામ બચાવ અને પુનર્વસન મિશન ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે કડક કાયદાકીય અને નિયમનકારી માળખા હેઠળ હાથ ધરવામાં આવે છે.
-ખુબજ વિનમ્ર એવા અનંત અંબાણી વનતારા વિશે શું કહે છે??
આ પ્રસંગે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, “ખૂબ જ નાની ઉંમરે મારા માટે પેશન તરીકે જે કાર્ય શરૂ થયું હતું તે હવે વનતારા અને અમારી તેજસ્વી અને પ્રતિબદ્ધ ટીમ સાથે એક મિશન બની ગયું છે. અમે ભારતીય મૂળની ગંભીર રીતે લુપ્તપ્રાય પ્રજાતિઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે મહત્વપૂર્ણ રહેઠાણોને પુનઃસ્થાપિત કરવા અને પ્રજાતિઓ માટેના તાત્કાલિક જોખમોને સંબોધવા અને વનતરાને અગ્રણી સંરક્ષણ કાર્યક્રમ તરીકે સ્થાપિત કરવા માંગીએ છીએ.
અમને આનંદ છે કે અમારા પ્રયાસોને ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે. ભારતના અને વિશ્વના કેટલાક ટોચના પ્રાણીશાસ્ત્રી અને તબીબી નિષ્ણાતો અમારા મિશનમાં જોડાયા છે અને અમે ભાગ્યશાળી છીએ કે અમને સરકારી સંસ્થાઓ, સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓના સક્રિય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત થયા છે. વનતારાનો હેતુ ભારતના તમામ 150-થી વધુ પ્રાણીસંગ્રહાલયોને તાલીમ, ક્ષમતાનિર્માણ અને પ્રાણીઓની સંભાળના માળખાના સંદર્ભમાં સુધાર લાવવા માટે ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને અન્ય સંબંધિત સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરવાનો છે. અમે આશા રાખીએ છીએ કે વનતારા વૈશ્વિક સ્તરે આશાનું કિરણ બની રહે અને દર્શાવે કે કેવી રીતે ઉદ્દાત વિચારો ધરાવતી સંસ્થા વૈશ્વિક જૈવવિવિધતા (ગ્લોબલ બાયોડાઇવર્સિટી) સંરક્ષણ પહેલને મદદ કરી શકે છે.”
વનતારાની સ્થાપના માટે તેમને પ્રેરણા આપનાર ફિલસૂફી અંગે સમજાવતા શ્રી અંબાણીએ જણાવ્યું કે, “વનતારા એ આધુનિક વૈજ્ઞાનિક અને તકનીકી વ્યાવસાયિકતાની શ્રેષ્ઠતા સાથે કરુણાના વર્ષો જૂના નૈતિક મૂલ્યનું સંયોજન છે. હું જીવ સેવા (પ્રાણીઓની સંભાળ) ને ભગવાન અને માનવતાની સેવા તરીકે જોઉં છું.વનતારામાં હાથીઓ માટેનું કેન્દ્ર અને સિંહ અને વાઘ, મગર, દિપડા વગેરે સહિત અન્ય મોટી-નાની પ્રજાતિઓ માટેની સુવિધાઓ છે.
-એલિફન્ટ સેન્ટર
વનતારા ખાતે હાથીઓ માટેનું સેન્ટર 3000 એકરના પરિસરમાં અત્યાધુનિક શેલ્ટર્સ, વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરાયેલા દિવસ અને રાત્રિના એન્ક્લોઝર્સ, હાઇડ્રોથેરાપી પૂલ્સ, જળાશયો અને હાથીઓના આર્થરાઇટિસની સારવાર માટેના એક વિશાળ એલિફન્ટ જકુઝી સાથે ફેલાયેલું છે. આ સેન્ટર 200થી વધુ હાથીઓનું ઘર બન્યું છે જ્યાં તેમની પશુચિકિત્સકો, જીવવિજ્ઞાનીઓ, રોગવિજ્ઞાનીઓ, પોષણશાસ્ત્રીઓ અને પ્રકૃતિશાસ્ત્રીઓ સહિત 500થી વધુ લોકોના વિશિષ્ટ અને પ્રશિક્ષિત સ્ટાફ દ્વારા ચોવીસ કલાક સંભાળ રાખવામાં આવે છે.
આ સેન્ટર પાસે 25,000 ચોરસ ફૂટની વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ છે, જે પોર્ટેબલ એક્સ-રે મશીનો, વિવિધ સારવાર માટેના લેસર મશીનો, સંપૂર્ણ સજ્જ ફાર્મસી, તમામ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે પેથોલોજી, નિદાન માટે આયાતી એલિફન્ટ રિસ્ટ્રેઇનિંગ ડિવાઇસ, હાઇડ્રોલિક પુલી અને ક્રેન્સ, હાઇડ્રોલિક સર્જિકલ ટેબલ અને હાથીઓ માટે હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બર સાથે સજ્જ છે. આ હોસ્પિટલ કેટરેક અને એન્ડોસ્કોપિક ગાઇડેડ સર્જરીઝ કરે છે (તેના પ્રકારના પ્રથમ ખાસ ડિઝાઇન કરાયેલા એન્ડોસ્કોપી સાધન સાથે) અને જરૂરી કોઈપણ શસ્ત્રક્રિયા કરવા સક્ષમ છે.
આ સેન્ટર પાસે 14000 ચોરસ ફૂટથી વધુનું વિશેષ રસોડું છે જે દરેક હાથી માટે તેમના ઓરલ હેલ્થ સહિત તેમની અત્યંત આવશ્યક શારીરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ પસંદ કરવામાં આવેલો આહાર તૈયાર કરવા માટે સમર્પિત છે.આ સેન્ટર હાથીઓની સંભાળ માટે આયુર્વેદ તકનીકો પણ અજમાવે છે, ગરમ તેલના મસાજથી લઈને મુલતાની માટી સુધીના ઉપચારો સાથે આયુર્વેદ પ્રેક્ટિશનરો હાથીઓ માટે ચોવીસ કલાક કામ કરે છે.
-રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર
સર્કસ અથવા ગીચ પ્રાણી સંગ્રહાલયમાં તૈનાત કરાયેલા જંગલી પ્રાણીઓ માટે 3000 એકર પરિસરમાં 650 એકરથી વધુનું એક રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિકસાવવામાં આવ્યું છે જ્યાં ભારત અને સમગ્ર વિશ્વમાંથી યાતનાદાયક અને ખતરનાક વાતાવરણમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓને અત્યાધુનિક વિશાળ એન્ક્લોઝર્સ અને આશ્રયસ્થાનોમાં રાખવામાં આવે છે.
આશરે 2100થી વધુ કર્મચારીઓના સંખ્યાબળ સાથે રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટરે સમગ્ર ભારતમાંથી માર્ગ અકસ્માતો અથવા માનવ-જંગલી પ્રાણી વચ્ચેના સંઘર્ષમાં ઇજાગ્રસ્ત થયેલા લગભગ 200 દીપડાઓને બચાવ્યા છે. આ સેન્ટર દ્વારા તમિલનાડુમાં ખીચોખીચ અને ભીડભાડવાળી ફેસિલિટીમાંથી 1000થી વધુ મગરોને બચાવાયા છે. આ કેન્દ્રે આફ્રિકામાં શિકારની જગ્યાઓમાંથી, સ્લોવાકિયામાં અસાધ્ય રોગના ભય હેઠળ પીડાતા, મેક્સિકોની ફેસિલિટીઝમાં ગંભીર રીતે પીડિત પ્રાણીઓને બચાવ્યા છે.
આ સેન્ટર પાસે એક લાખ ચોરસ ફૂટની હોસ્પિટલ અને તબીબી સંશોધન કેન્દ્ર છે. આઇ.સી.યુ., એમ.આર.આઇ., સીટી સ્કેન, એક્સ-રે, અલ્ટ્રાસાઉન્ડ, એન્ડોસ્કોપી, ડેન્ટલ સ્કેલર, લિથોટ્રિપ્સી, ડાયાલિસિસ,
સર્જરીઓ અને બ્લડ પ્લાઝ્મા સેપરેટર માટે લાઇવ વીડિયો કોન્ફરન્સીસ માટેની ઓઆરવન ટેક્નોલોજી આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર પાસે છે.
43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરની દેખરેખ હેઠળ છે.
આ સેન્ટરે લુપ્તપ્રાય પ્રજાતિના સાત ભારતીય અને વિદેશી પ્રાણીઓનો કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ શરૂ કર્યો છે, તેનો ઉદ્દેશ આ લુપ્તપ્રાય પ્રાણીઓને તેમના મૂળ નિવાસસ્થાનોમાં પુનઃસ્થાપિત કરી શકાય તેટલી સંખ્યામાં તેમની અનામત સંખ્યા ઊભી કરવાનો છે જેનાથી તેમને લુપ્ત થતાં બચાવી શકાય.
આજે વનતારા ઇકોસિસ્ટમે 200 હાથીઓ, 300થી વધુ ચિત્તા, વાઘ, સિંહ, જગુઆર વગેરે, 300થી વધુ શાકાહારી પ્રાણીઓ જેમ કે હરણ અને 1200થી વધુ સરિસૃપ જેમ કે મગર, સાપ અને કાચબા માટે જીવન અને આશાનો સંચાર કર્યો છે.
-તરંગો ઝીલાતા હોય છે
સામાન્ય રીતે વ્યક્તિ વચ્ચે સંબંધની મજબુતાઇ બંને વચ્ચેની સંવાદીતતા ખાસ તરંગોને કારણે હોય છે તેવીજ રીતે પશુ પ્રાણી પંખી વગેરે પણ તરંગો ઝીલે છે અનંત અંબાણીની પોઝીટીવ ઉર્જાથી સૌ કોઇની જેમ પશુ પંખી પ્રાણી તેમના ફેન થઇ જાય છે દૂરથી અનંત ને આવતા જોઇ તેમના એનિમલ કેર સેન્ટરના અબોલ જીવની આંખો જાણે બોલવા લાગે છે આવા દરેક ભાવ સમજવા અઘરા છે પરંતુ યંગ અંબાણી માટે તે કુદરતની દેન છે માટે સહજ છે.





