Mysamachar.in-અમદાવાદ:
જામનગર, ખંભાળિયા, દ્વારકા સહિતના સમગ્ર હાલાર ઉપરાંત રાજયભરમાં નાની વયના અથવા યુવા વયના લોકોના મોત ટપોટપ થઈ રહ્યા છે અને, આ તમામ મોત પાછળ કિલિંગ હાર્ટએટેક જવાબદાર હોય છે- એવું પણ જાહેર થઈ રહ્યું છે, છતાં રાજયના આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે કોઈ ગંભીરતા દાખવવામાં આવતી ન હોય, લોકો પોતાને નિ:સહાય અનુભવી રહ્યા છે, લોકોની આ લાચારીનો ઠેકઠેકાણે ઉલ્લેખ પણ થઈ રહ્યો છે. આ મુદ્દે રાજયના પૂર્વ મુખ્યમંત્રીએ આપેલું નિવેદન સૂચક છે. તાજેતરમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ(ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન) આનંદીબહેન ઉતર ગુજરાત ખાતે એક પાટીદાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ સમયે હાર્ટએટેક સંબંધે તેઓએ આપેલું નિવેદન વાયરલ થયું છે. જેની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. હજારો લોકો આ નિવેદન સાથે સહમતી દર્શાવી રહ્યા છે. અને રાજયના આરોગ્ય વિભાગ માટે આનંદીબહેનની આ સલાહ ખૂબ જ ઉપયોગી છે.
આનંદીબહેને આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાર્ટએટેકના જે બનાવો બની રહ્યા છે તેનું એનાલિસીસ થવું જોઈએ. છેલ્લા એક વર્ષ દરમિયાન જે મહિલાઓ, પુરુષો અને યુવાઓના હાર્ટએટેકથી મૃત્યુ થયા તે તમામ કેસનો સર્વે થવો જોઈએ. બાદમાં વિગતોને આધારે તેનો ગંભીર સ્ટડી એટલે કે અભ્યાસ થવો જોઈએ.
તેઓએ એમ પણ કહેલું કે, આ સર્વે અને સ્ટડીના આધારે એ જાણવાનો પ્રયત્ન થવો જોઈએ કે, શા માટે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે.?! આનંદીબહેને આ મુદ્દો જાહેરમંચ પરથી કહ્યો ત્યારે, આ જ મંચ પર રાજયના આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલ પણ ઉપસ્થિત હતાં. આ નિવેદનની સમગ્ર રાજયમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.
બીજી તરફ, રાજયના આરોગ્ય વિભાગની વાસ્તવિકતા શું છે ? તેની એક નાનકડી વિગત પણ વાયરલ થઈ છે. તાજેતરમાં કમિટી ઓફ સેક્રેટરીઝ (CoS)ની બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં, મુખ્ય સચિવે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) મનોજ અગ્રવાલ અને તેમના વિભાગના અગ્રસચિવ શાહમીના હુસૈનનો ઉલ્લેખ કરીને કહ્યું: તમો બંનેએ સાથે બેઠક આયોજીત કરીને રાજયના આરોગ્ય વિભાગની કામગીરીઓ અંગે સમીક્ષા બેઠક યોજી છે ?! મુખ્ય સચિવની આ કોમેન્ટને કારણે સિનિયરોમાં સોપો પડી ગયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, મનોજ અગ્રવાલ આગામી દિવસોમાં વયનિવૃત થઈ રહ્યા છે . આ વિભાગમાં આ પદ માટે IAS અધિકારીઓ લોબિંગ કરી રહ્યા છે. અધિકારીઓ પદ માટે લોબિંગ જરૂર કરે છે, પદ પ્રાપ્ત થયા બાદ, કામગીરીઓ પ્રત્યે બહુ ઓછા કમિટેડ હોય છે, દરેક વિભાગમાં આ ટ્રેન્ડ જોવા મળે છે.