My samachar.in:-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા નજીકના એક મંદિર ખાતે કલ્યાણપુરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ ગઈકાલે શુક્રવારે પિસ્તોલના ભડાકે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અને ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના મૂળ રહેવાસી પ્રવીણભાઈ બી. વાઘેલા નામના પોલીસકર્મીએ ગઇકાલે શુક્રવારે તેમના મોટરસાયકલ મારફતે ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પરથી પાંચેક કિલોમીટર દૂર આવેલા ખોડિયાર મંદિરે આવ્યા હતા. બપોરે આશરે સાડા ત્રણેક વાગ્યે આ પોલીસ કર્મચારીએ તેમની પાસે રહેલી સરકારી પિસ્તોલમાંથી પોતાના કપાળના ભાગે ભડાકો કરી લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો..
આ બનાવ બનતા જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ, સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પોસ્ટમોર્ટમ તથા પરિવારજનોના નિવેદન નોંધવા સહિતની કામગીરી કરી હતી. જે સરકારી હથિયારથી હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ વાઘેલાએ આપઘાત કર્યો, તે શસ્ત્ર તેમને ફાળવાયું ન હતું. પરંતુ કલ્યાણપુર પોલીસ મથકમાં રાયટર હેડનો હવાલો સંભાળતા પ્રવિણભાઈએ પોલીસ મથક દ્વારા તેમને સંભાળ માટે આપવામાં આવતા હથિયારો પૈકી એક ગ્લોક પિસ્તોલથી આ પગલું ભરી લીધું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક દ્વારા લખવામાં આવેલી એક સુસાઇડ નોટ પણ સાંપડી છે. જેમાં તેમણે સ્વૈચ્છિક રીતે આ પગલું ભરી લીધાનું તથા તેમના પરિવારજનોને હાલાકી ન થાય તે માટે આ પત્રમાં ઉલ્લેખ કરાયો હોવાનું જાણવા મળ્યું છે..
મૃતક હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ વાઘેલાને ચાર પુત્રીઓ હોવાનું તથા તેમના ધર્મપત્ની આજથી આશરે બે વર્ષ પૂર્વે અવસાન પામ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આશરે 35 વર્ષના પોલિસ કર્મીના અપમૃત્યુના આ બનાવે માતા-પિતા વિનાની થઈ ગયેલી ચાર બાળાઓ તેમજ પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે. સાથે સાથે પોલિસ બેડામાં પણ અરેરાટી વ્યાપી છે. આ સમગ્ર બનાવની જાણ મૃતકના ભાઈ દીપકભાઈ વાઘેલા દ્વારા ખંભાળિયા પોલીસને કરવામાં આવી છે. જે સંદર્ભે આગળની કાર્યવાહી પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.