Mysamachar.in-સુરત
સરકારી નોકરીમાં તગડો પગાર છતાં કેટલાય સરકારી બાબુઓ છે જેના પેટ જ નથી ભરાતા અને ટેબલનીચેથી છુપી આવકો લીધે જ જાય છે, આવો જ વધુ એક કિસ્સો એસીબીએ રેડ કરતા સામે આવ્યો છે જેમાં મનપાનો આસિસ્ટન્ટ ઈજનેર કોન્ટ્રાકટર પાસેથી 15 હજારની લાંચ લેતા એસીબીને હાથ લાગી ચુક્યો છે, માહિતી મળી રહી છે તે પ્રમાણે સુરત મહાનગરપાલિકાના રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગની ઓફિસમાં આસિસ્ટન્ટ ઈજનેર તરીકે ફરજ બજાવતો જિજ્ઞેશ નટવરલાલ મોદી 15 હજારની લાંચમાં એસીબીના જાળમાં ફસાયો છે.
લાંચીયા આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીનો મહિને 1.10 લાખનો પગાર હોવા છતાં કોન્ટ્રાકટર પાસેથી ડ્રેનેજના જોડાણ મજૂર કરવા માટે 15 હજારની લાંચ છેલ્લા એક અઠવાડિયાથી માંગતો હતો. આથી કંટાળી પ્લમ્બીંગ કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. રાંદેર વેસ્ટ ઝોનની ડ્રેનેજ વિભાગની ઓફિસમાં ગુરુવારે એસીબીના સ્ટાફે છટકું ગોઠવી આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીને 15 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડયો હતો.
જહાંગીરપુરામાં બિલ્ડરનો એક હાઇરાઇઝ પ્રોજેકટ છે. જેમાં 120 ફલેટ છે. હાઇરાઇઝ પ્રોજેક્ટમાં ડ્રેનેજના જોડાણની કાર્યવાહી માટે રાંદેર ઝોનની કચેરીમાં અરજી કરવામાં આવી હતી. ડ્રેનેજ જોડાણો મંજૂર કરવા માટે પાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર જિજ્ઞેશ મોદીએ એક ફલેટ દીઠ 150 રૂપિયા લેખે 18 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાં રકઝક બાદ અંતે 15 હજારની રકમ આપવાનું નક્કી થયું હતું.પણ અંતે બાબુની લાંચિયાગીરીથી કંટાળી જઈને કોન્ટ્રાકટરે એસીબીનો સંપર્ક કરી લાંચિયા બાબુને ઝલાવી દીધો છે.