Mysamachar.in:ગુજરાત
ગુજરાતમાં પોલીસ એક એવો વિભાગ છે, જેને થોડાં થોડાં સમયે શૂરાતન ચડે છે ! અને આ શૂરાતન પણ એવાં સમયે અને એ માટે ચડતું હોય છે, જ્યારે આ વિભાગની આંગળી ચિપટમાં આવી હોય. પોતાની છાપ સુધારવા મિથ્યા પ્રયાસો કરતો પોલીસ વિભાગ શું છે તે સૌને ખ્યાલ છે.
પોલીસ વિભાગને વધુ એક વખત શૂરાતન ચડ્યું છે ! અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં પોલીસ વધુ એક વખત ખુલ્લી પડી ગઈ છે. આ સ્થળ પરનાં CCTV કેમેરા બંધ હતાં. અકસ્માત સમયે ત્યાં પાર્ક થયેલી PCR વાન ઘટનાસ્થળેથી જતી રહી હતી ! અને અકસ્માતની તપાસ કડક રીતે થશે એવા દાવા કરતી પોલીસ અકસ્માત સર્જાઇ ત્યાં સુધી શું કરતી હોય છે ?! એવો પ્રશ્ન મીડિયામાં ગાજતા હવે પાડાના વાંકે પખાલીને ડામ આપવા નીકળી છે !
ઇસ્કોન બ્રિજ અકસ્માત પછી પોતાની પ્રતિષ્ઠા ઘસીને ચકચકિત કરવાનાં પ્રયાસરૂપે પોલીસ હવે સમગ્ર રાજ્યમાં ડ્રાઈવ યોજશે ! રાજ્યનાં પોલીસવડાએ જાહેર કર્યું છે કે, રાજ્યમાં એક મહિનો વાહનો માટે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે (લોકો મજાકમાં પૂછે છે, બાકીનાં અગિયાર મહિના શું કરવાનું ?!) ડીજીપી કહે છે : સતત એક મહિનો તમામ વાહનોનાં કાગળો ચેક કરવામાં આવશે. વાહનોની ફીટનેસ અંગેનાં કાગળો પણ તપાસવામાં આવશે. હેલ્મેટ અંગે પણ કેસ થશે. કોઈ વાહન નિર્ધારિત કરતાં વધુ ગતિએ દોડી રહ્યું છે કે કેમ ? તે ચકાસવામાં આવશે.
DGP સાહેબને માલૂમ થાય કે, આ કામગીરી પોલીસ વિભાગે 365 દિવસ કરવાની હોય છે. અત્યાર સુધી આ કામગીરી થતી ન હતી ?! તો એ દરમિયાન પોલીસ શું કરતી હતી ?! અને, એક મહિનાની ડ્રાઈવ પછી, પોલીસ ફરી ફાંદ પર હાથ ફેરવી સૂઈ જશે ?! કોઈ ઘાતક અકસ્માત થાય અને મીડિયા તથા લોકોમાં પોલીસ પ્રત્યે રોષના દર્શન થાય પછી જ, પોલીસ વિભાગને પાનો ચડે છે ?! અકસ્માત કો’ક કરે અને ડ્રાઈવનાં નામે હાલાકીઓ આખા રાજ્યનાં લોકોએ ભોગવવાની ?! DGP સાહેબ, આ ક્યાંનો ન્યાય ?! એવો પ્રશ્ન લોકોમાં અત્યારથી ઉઠ્યો છે, આ ડ્રાઈવ સંબંધે.






