Mysamachar.in-જામનગર:
અમરેલી ભાજપાની આંતરિક લડાઈ દરમિયાન સર્જાયેલા લેટરકાંડનો પડઘો સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ જાહેર થયો છે, સ્થાનિક પટેલ યુવાનોના એક જૂથે આવેદન આપી, ઘટતી કાર્યવાહીઓની માંગ કરી છે. અને, આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો છે. જામનગરમાં આજે પટેલ યુવા ગ્રૂપના કેટલાંક યુવાઓએ કલેક્ટર ઓફિસમાં એક આવેદન આપ્યું. આ આવેદનમાં જણાવાયું છે કે, અમરેલીમાં શાસકપક્ષના આંતરિક ડખ્ખાને કારણે લેટરકાંડ પ્રકાશમાં આવ્યો છે. આ કાંડમાં, એક પટેલ યુવતિએ પોતાની નોકરીના ભાગરૂપે માલિકના કહેવાથી, આ લેટર ટાઈપ કર્યો. જે અનુસંધાને સ્થાનિક પોલીસે આ યુવતિને પણ ‘આરોપી’ બનાવી, મોડી રાતે ધરપકડ કરી, જાહેરમાં સરઘસ કાઢ્યું.
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે, પોલીસે રાત્રે બાર વાગ્યે કાયદાથી વિરુદ્ધ જઈ ખોટી રીતે આ યુવતિની ધરપકડ કરી. આ અનુસંધાને સંબંધિત પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલાંઓ લેવા જોઈએ અને આ દીકરીને જેલમુક્ત કરવી જોઈએ. રાજ્યમાં અનેક ગંભીર ગુનાઓના આરોપીઓ છૂટા ફરી રહ્યા છે અને નિર્દોષ દીકરી પર અત્યાચાર શા માટે ? એવો પ્રશ્ન આવેદનમાં પૂછવામાં આવ્યો છે. આ દીકરીનું આ ફરિયાદમાંથી નામ કમી કરવા પણ માંગ કરવામાં આવી છે.