Mysamachar.in-જામનગર:
જામનગરના એક વતની હાલ લંડનમાં વસવાટ કરે છે અને તેમણે જામનગર પોલીસમાં એમ જાહેર કર્યું કે, મારૂં નામ ધારણ કરી મુંબઈનું સરનામું ધરાવતા એક શખ્સે અન્ય આરોપીઓ સાથે મળી, કાવતરૂ રચી, વસઈ ખાતે આવેલી મારી ખેતીની જમીનનો દસ્તાવેજ અન્ય એક આરોપીના નામે જામનગરની કચેરીમાં રજિસ્ટર્ડ કરાવી લીધો છે.
આ મામલાની સિલસિલાબંધ વિગતો, FIR મુજબ, એવી છે કે- ફરિયાદી અમિત દામજીભાઈ શાહ જામનગરની જયંત સોસાયટી નજીકના વિજયનગરમાં રહેણાંક મિલ્કત ધરાવે અને હાલ પરિવાર સાથે લંડનમાં વસવાટ કરે છે અને ત્યાં પ્રોપર્ટી બિઝનેસ કરે છે. એમના કહેવા અનુસાર, જામનગરના વસઈ ખાતે તેઓ ખેતીની જમીન ધરાવે છે, જે પ્રોપર્ટી આરોપીઓએ કાવતરૂં રચી, આરોપીઓ પૈકી એકના નામે રજિસ્ટર્ડ કરાવી લીધી છે. આ 4 આરોપીઓ પૈકી એક આરોપીએ આ કાવતરૂં પાર પાડવા પોતે અમિત શાહ છે એવી ખોટી ઓળખ આપી હતી અને તેણે પોતાનું એડ્રેસ મુંબઈનું જાહેર કર્યું છે. આ જમીન અન્ય એક આરોપી ભગવાનજી હંસરાજ ગોરીના નામે જામનગર કચેરીમાં રજિસ્ટર્ડ થઈ ગઈ છે.
આ મામલાના અન્ય 2 આરોપીઓ તરીકે નવીન રામજીભાઈ ગોરી અને યોગેશ કેશવજી શાહ છે. જેના નામે બનાવટી દસ્તાવેજ તૈયાર થયો છે એ ભગવાનજી ગોરી (54) ખેડૂત છે અને 54 દિગ્વિજય પ્લોટ, વિશ્રામવાડી, જામનગર ખાતે રહે છે. આરોપી નવીન ગોરી હીરજી મિસ્ત્રી રોડ પર શિવમ ટેનામેન્ટમાં રહે છે અને આરોપી યોગેશ શાહ મુલુંડ(મુંબઈ) ખાતે રહે છે. આ ચાર આરોપીઓની ‘ચોકડી’એ જામનગરની સબ રજીસ્ટ્રાર-2 કચેરીમાં ફરિયાદીની વસઈ ખાતે આવેલી ખેતીની એક જમીનનો દસ્તાવેજ બનાવી લીધો છે. આ ખેલ તા. 11-02-2025 ના રોજ ખેલાયો, જેમાં ‘અમિત શાહ’ તરીકે મુંબઈનું સરનામું ધરાવતો શખ્સ ખોટી ઓળખ સાથે, કચેરીમાં રજૂ થયો હતો.
25 વર્ષ અગાઉ ખેતીની આ જમીન ફરિયાદીએ રૂ. દોઢ લાખમાં બહાદુરસિંહ ભુરૂભા જાડેજા(વસઈ) પાસેથી ખરીદી હતી. તાજેતરમાં આ જમીનનો બનાવટી દસ્તાવેજ રૂ. 49,00,000 અવેજ તરીકે આપીને કરવામાં આવ્યો. જેમાં વેચનાર ‘બનાવટી’ અમિત શાહ છે અને ખરીદનાર ભગવાનજી ગોરી છે. આ જમીન ફરિયાદીની કુલ જમીનનો એક ભાગ છે.
ફરિયાદીએ એમ જણાવ્યું છે કે, હું વિદેશમાં છું એ જાણકારીઓનો ગેરલાભ ઉઠાવી, કાયદાના જાણકારની મદદ લઈ આ આરોપીઓએ આ કાવતરૂં પાર પાડ્યું છે. આ જમીન સંબંધે ફરિયાદીએ જામનગરની પ્રાંત કચેરીમાં વકીલ મારફતે અપીલ દાખલ કરી, સ્ટે પણ પ્રાપ્ત કર્યો છે.
આ મામલાએ વસઈ ગામમાં તથા જામનગરની કચેરીમાં ચકચાર જગાવી છે. કોઈ વ્યક્તિ બનાવટી આધારો ઉભા કરી, આ રીતે કોઈની મિલકતનો દસ્તાવેજ અન્ય કોઈના નામે બનાવી શકે ? ફરિયાદી કહે છે કે, આમ બન્યું છે. આમ બને કેવી રીતે ? આ પ્રશ્નનો ઉત્તર તપાસના અંતે મળી શકે.