Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:
હજુ કોરોનાની રસી રસ્તામા છે એમ કહેવાય વળી બધાને રસી આપવાની પણ નથી ત્યારે માત્ર કોરોના જ નહી પરંતુ સાથે સાથે તાવ શરદી ઉધરસ જેવા વાયરલ સાંધા માથા પેટ વગેરે દુખાવા તેમજ નબળાઇ થાક વગેરેની તકલીફો પણ વધતી હોય લોકો પોતાની મેળે દવા લે છે અને આયુર્વેદીક ઓસડીયા પણ વધુ વેચાય છે તેમ સમગ્ર પણે ડોક્ટરો તેમજ મેડીકલ સ્ટોર્સના અભિપ્રાય જાણતા માલુમ થાય છે, રાજ્યમાં કોરોના મહામારીને પગલે લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર જોવા મળી રહી છે.
ત્યારે હજુ સુધી કોરોના વાઈરસની કોઇ રસી બની ન હોવાથી માત્ર માસ્ક જ કોરોના જેવા ભયંકર વાઈરસ સાથે રક્ષણ આપવાનું કામ કરે છે. બીજી તરફ લોકો કોરોનાના ભયને કારણે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળા તેમજ દવાઓ લઈ રહ્યા છે, જેને કારણે જામનગર સહિત રાજ્યભરના દવાના માર્કેટમાં છેલ્લા 8 મહિનામા વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને શરદી, ખાસી, તાવની દવામાં 80 ટકા જેટલો વધારો નોંધાયો છે.
વળી અલગ-અલગ પ્રકારના સેનિટાઈઝર તેમજ માસ્કની કિંમત 50 રૂપિયાથી 300 રૂપિયાની આસપાસ થઇ રહી છે તે પણ ધૂમ વેચાય છે સાથે સાથે માસ્કમા ડીઝાઇનોનો ક્રેઝ વધ્યો છે તો સેનેટાઇઝરમા વેરાયટી આવી છે અને શીલ્ડ માસ્કના વેચાણ પણ વધ્યા છે તો રૂમ ફ્રેશનર ડેટોલ સેવલોન તેમજ જંતુ નાશક જુદા-જુદા સ્પ્રે ટેબલેટ પાવડર ટીકડી જેવી દવાઓના અને જુદા જુદા સાબુઓના ટીસ્યુ પેપર રૂમાલ વોટર હીટરને નાસ માટેના વોટરહીટરના સ્પેયરના પણ વેચાણ વધ્યા હોય કોરોના કાળમા બીજા અમુક ધંધામા ઓટ આવી હોય આવા વેચાણ ઉત્પાદન અને વેંચાણ તરફ પણ અમુક નાનાથી માંડી મોટા ધંધાર્થી વળ્યા છે અને આમેય આ દરેક ચીજવસ્તુમા હાલ તો તેજી ને એક ના ડબલ ત્રબલ ક્યારેક ચોબલ જેવો નફો પણ છે.
– શરદી, ખાસી, તાવની દવાઓના વેચાણમાં વધારો
માર્ચ મહિનામાં કોરોના મહામારીની રાજ્યમાં શરૂઆત થયા બાદ દવાના વ્યવસાયમાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે કોવિડને લગતી કેટલીક પ્રોડક્ટોની ડિમાન્ડ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, જેમ કે મલ્ટીવિટામિન, વિટામિન-સી કે પછી કેટલીક ઇજેક્ટેબલ જે હોસ્પિટલમાં દર્દીઓ માટે વપરાય છે. એ તમામ પ્રોડક્ટના વેચાણમાં વધારો થયો છે, સાથે જ શરદી, ખાસી, તાવ જેવી દવાઓના વેચાણમા વધારો થયો છે. એ સિવાય અન્ય બીમારીઓ, જેવી કે પેટમાં દુખાવો, બીપીની દવા, એન્ટીબાયોટિક, પેરાસિટામોલ વગેરેના વેચાણમાં 40 થી 50 ટકાનો વધારો નોંધાયો છે.
– લોકો એકસાથે પેકેટ ખરીદી લે છે
સામાન્ય દિવસોમાં જે લોકો મેડિકલમાંથી એક-બે પેકેટ દવાના લઈ જતા હોય છે, ત્યારે કોરોનાકાળ દરમિયાનથી લોકો એકસાથે 10-10 પેકેટની ખરીદી કરી લે છે, જેને કારણે મોટા ભાગના મેડિકલ સ્ટોર પણ જથ્થાબંધ દવાઓની ખરીદી કરી રહ્યા છે. બીજી તરફ, કોરોનાની શરૂઆતમાં આયુર્વેદિક દવાઓનું માર્કેટ ખૂબ જ વધી ગયું હતું, પરંતુ સેકન્ડ વેવ આવ્યો તેમાં આયુર્વેદિક દવાના વેચાણમાં કોઇ ખાસ વધારો જોવા મળ્યો નથી, પરંતુ આયુર્વેદિક દવાઓમાં સુદર્શન ઘનવાટી, ગિલોઈ, સમસમનીવટી જેવી દવાઓનું વેચાણ સારું રહ્યું છે.
-એન્ટીબાયોટિકના વેચાણમાં વધારો
લોકોમાં કોરોનાના ડરને કારણે બ્લડપ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓના કેસમાં વધારો થતાં એની દવાઓ પણ મોટે પાયે વેચાઈ રહી છે. મોટા ભાગના લોકો તો સામાન્ય શરદી-તાવમાં પણ ભારે દવાઓ લઈ રહ્યા છે. ત્યારે કેટલાક બિનજરૂરી ઘરમાં દવાનો સ્ટોક વધારી રહ્યા છે. અનેક પ્રકારની એન્ટીબાયોટિક, પેરાસિટામોલ તેમજ પેટના દુખાવાની દવાઓની કિંમતમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે, જ્યારે એન્ટીબાયોટિક દવાઓમાં પણ 50 થી 70 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. એલોપથી દવાઓની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ જથ્થામાં ખરીદાય છે. ઈમ્યુનિટી પાવર વધારવા માટે મોટા ભાગના લોકો આયુર્વેદિક દવા લે છે, જેને કારણે તેના વેચાણમાં પણ 50 ટકાની આસપાસ વધારો થયો છે.
-કોરોના જેવા લક્ષણની દવાઓ માર્કેટમાં લોન્ચ થઈ
ડિમાન્ડ વધતાં દવાઓના ભાવમાં વધારાની સાથે ઘણી નવી દવાઓ પણ લૉન્ચ કરવામાં આવી છે. એક્સપર્ટ અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં નવી દવાઓના વેચાણમાં પાછલા 36 મહિનાની તુલનામાં વાર્ષિક આધાર પર 3.8 ટકાનું નોંધાયું છે. કોરોના વાઈરસથી સંબંધિત ઘણી દવાઓ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી છે અને આ દવાઓની કિંમતો ઘણી વધારે છે. છેલ્લા કેટલાક મહિનામાં કોરોના વાઈરસની દવા બનાવતી કંપનીઓના વેચાણમાં પણ મોટો સુધારો જોવા મળ્યો છે. દવાની સાથે હેન્ડ સેનિટાઈઝર, માસ્ક સહિતની અન્ય મેડિકલને લગતી ચીજવસ્તુઓનું વેચાણ મોટે પાયે થઈ રહ્યું છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ડિમાંડ વધતાં એના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.