Mysamachar.in-અમદાવાદ:
આજે સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકો ઠંડીનો વધારે ચમકારો અનુભવી રહ્યા છે, અને અગાઉની કડકડતી ઠંડીની આગાહી હતી, ત્યાં વચ્ચે જ માવઠાની આગાહી પણ આજે હવામાન વિભાગે કરી છે, આગામી પાંચ દિવસમાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. ભર શિયાળે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ આવી શકે છે. પોરબંદર, અમરેલી, રાજકોટ, દ્વારકામાં હળવા વરસાદની આગાહી છે. અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. સાથે જ તેમણે કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. આ સાથે જ આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.