Mysamachar.in:જામનગર
જામનગર સહિત રાજ્યભરમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ગાય સહિતનાં પશુઓ અને કૂતરાંઓમાં ભયાનક આક્રમકતા જોવા મળી રહી છે ! આ આક્રમકતા અગાઉ જોવા મળતી ન હતી. શેરીઓમાં કૂતરાં બાળકો અને મોટેરાઓ સાથે હળીમળીને રહેતાં અને રમતાં પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી જોવા મળે છે કૂતરાંઓ પરિચિતોને પણ ભસે છે ! બટકું ભરી લ્યે છે ! સ્વભાવે ગરીબડી લેખાતી ગાયો પણ આક્રમક બની રહી છે ! માણસ પર ક્રૂર રીતે ખાર ઉતારે છે ! આ પ્રકારના કિસ્સાઓની સંખ્યા વધી રહી છે ! છતાં, કમનસીબી એ છે કે – જામનગર સહિત રાજ્યભરમાં ક્યાંય કોર્પોરેશન સતાવાળાઓ કે શાસકો, આ ગંભીર મુદ્દે ચિંતિત નથી ! નગરજનોએ શાસકો અને તંત્રની આ ધરાર બેદરકારી સારી રીતે યાદ રાખવી આવશ્યક બની ગયું છે.
પશુઓ અને કૂતરાંઓમાં વધી રહેલી આક્રમકતા ચિંતાનો વિષય છે – ખાસ કરીને નગરજનોની સલામતીનાં સંદર્ભમાં. કાલે મંગળવારે જ નગરજનોએ જોયું કે, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક ગાય કેવી રીતે ભૂરાઈ બની હતી અને એક મહિલાને ક્રૂર રીતે મરણતોલ ઈજાઓ પહોંચાડી હતી. પશુઓ અને કૂતરાંઓમાં આ પ્રકારની આક્રમકતા અંગે માય સમાચાર ડોટ ઈન સાથેની વાતચીતમાં પશુ નિષ્ણાત ડો. અનિલ વિરાણીએ જણાવ્યું છે કે – અન્ન એવો ઓડકાર આપણે ત્યાં જૂની કહેવત છે. સમયનાં વહેવા સાથે પશુઓ અને કૂતરાંઓમાં પણ કુદરતી ખોરાકનું પ્રમાણ ઘટયું છે. અનિચ્છનીય કહી શકાય તે પ્રકારનો ખોરાક પશુઓ અને કૂતરાંઓમાં વધ્યો છે.
આ ઉપરાંત કોઈએ પશુઓ અને કૂતરાંઓને પરેશાન કર્યા હોય તેવાં કિસ્સાઓમાં પશુઓ અને કૂતરાંઓમાં, તેનાં મગજમાં કોઈ ચોક્કસ રંગનાં કે ચોક્કસ પ્રકારના વસ્ત્રો કે ચોક્કસ પ્રકારના વાહનોની ઈમેજ અંકિત થઈ ગઈ હોય અને તેનાં આધારે પશુઓ અને કૂતરાંઓ કોઈ એ પ્રકારની વ્યક્તિને નિશાન બનાવી, તે વ્યક્તિ પર પોતાની આક્રમકતા ઠાલવતાં હોય એવું પણ બની શકે ! જો કે, આ એક જટિલ વિષય છે જેમાં આપણે માત્ર અનુમાનો ન કરી શકીએ. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું કે, પશુઓમાં ખોરાકની સાથે પ્લાસ્ટિક આરોગવાનું પ્રમાણ પણ વધ્યું છે. પ્લાસ્ટિકથી પશુઓની ભૂખ મરી જાય છે અને બીજી બાજુ પશુઓને જરૂરી પોષકતત્વો એટલાં પ્રમાણમાં ઓછાં મળતાં હોય છે. આ પ્રકારના કારણોની અસરો પશુઓમાં દેખાતી હોય એવું પણ બની શકે. જો કે આ તમામ સંભાવનાઓ છે, સાબિત થયેલાં કારણો કે તારણો નથી, એમ ડો.વિરાણીએ અંતમાં ઉમેર્યું હતું.