Mysamachar.in:
દર વર્ષે ચોમાસા પહેલાંના આ સમયમાં વિવિધ પાકોના અસલી અને નકલી બિયારણ, ખાતર વિતરણ અને બનાવટી અથવા ભેળસેળ સાથેનું ખાતર તથા ચીટરો દ્વારા બજારમાં ઘુસાડવામાં આવતી બોગસ જંતુનાશક દવાઓના સમાચારો ચમકતા રહે છે. આ વર્ષે પણ આમ બન્યું છે, ખુદ મુખ્યમંત્રીના આદેશ બાદ રાજ્યમાં ઝુંબેશ ચલાવવામાં આવી અને ઝુંબેશ દરમિયાનની કાર્યવાહીઓ જાહેર કરવામાં આવી છે.
રાજ્યભરમાં ખેડૂતોને ગુણવત્તા ધરાવતું બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ મળી રહે તે માટે રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા બે દિવસ માટે સમગ્ર રાજ્યમાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી. આ કામગીરીઓ દરમિયાન કુલ 39 ટીમને કામે લગાવવામાં આવી હતી. જામનગર સહિતના જિલ્લાઓમાં આ કામગીરીઓ કરવામાં આવી. આ કાર્યવાહીઓ મુખ્યમંત્રીના આદેશ બાદ થઈ હતી.
આ ઝુંબેશ દરમિયાન રાજ્યમાં વિવિધ ઈનપુટના 32 ઉત્પાદકો, બિયારણના 417 વિક્રેતા, ખાતરના 268 અને જંતુનાશક દવાઓના 378 વિક્રતાઓને ત્યાં આ તમામ ચીજોની ચકાસણીઓ કરવામાં આવી. બિયારણના 210, ખાતરના 51 અને દવાઓના 29 મળી કુલ 290 નમૂનાઓ લેવામાં આવ્યા. તેમાં કપાસના 108 નમૂનાઓ એકત્ર કરવામાં આવેલાં. જે પૈકી 43 નમૂનાઓ જિનેટીકલી મોડીફાઈડ શંકાસ્પદ તરીકે અથવા અનધિકૃત નમૂનાઓ તરીકે એકત્ર થયા છે.
આ નમૂનાઓ પૈકી સાબરકાંઠાના કેટલાંક નમૂનાઓ શંકાસ્પદ જણાતાં તેનો રિપોર્ટ ખાસ કિસ્સામાં પાંચ દિવસમાં આવી જશે. આ ઝુંબેશના પ્રથમ દિવસે 23મી એ કુલ રૂ. 1.68 કરોડનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જેમાં 52,169 કિલોગ્રામ બિયારણનો જથ્થો છે. 82 મેટ્રિક ટન ખાતર છે અને 600 કિલોગ્રામ/લિટર જંતુનાશક દવાઓનો સમાવેશ થાય છે. આ ચેકિંગ દરમિયાન કેટલાંક વિક્રેતાઓને ત્યાં અલગઅલગ ખામીઓ ધ્યાન પર આવતાં કુલ 234 નોટિસ પણ આપવામાં આવી છે.