Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામથકે આવેલાં એક રેસ્ટોરન્ટ સંચાલકને પોતે પત્રકાર હોવાનો રોફ જમાવીને ધમકાવવા બાબતે ત્રણ કથિત અને સ્થાનિક પત્રકારો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં તાલુકામથકમાં તરેહતરેહની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. કાલાવડ પોલીસમાં આ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં રેસ્ટોરન્ટ સંચાલક નિલેશ ભીખાભાઈ વેકરિયાએ જણાવ્યું છે કે, તેઓ કાલાવડના નવા માર્કેટ યાર્ડ નજીક હોટેલ રેસ્ટોરન્ટ ધરાવે છે અને ભાગીદારીમાં ચાલતાં આ હોટેલ રેસ્ટોરન્ટનું સંચાલન કરે છે. તેઓના રેસ્ટોરન્ટનું નામ ક્રિષ્ના છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ગત્ ત્રીજી સપ્ટેમ્બરના દિને પ્રકાશ બસિયા નામનો કોઈ શખ્સ બપોરે દોઢેક વાગ્યા આસપાસ રેસ્ટોરન્ટ પર આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં નિયમ મુજબ લેવાના ટોકન મામલે ફરિયાદી સાથે બબાલ કરી હતી અને પોતે પત્રકાર છે એમ જણાવી રેસ્ટોરન્ટ સંચાલકને ધમકી આપી હતી.
આ ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, ત્યારબાદ ગત્ તા. 23 સપ્ટેમ્બરના દિવસે ફરીથી પ્રકાશ બસિયા નામનો આ શખ્સ અન્ય બે શખ્સો સાથે આવ્યો હતો. આ ત્રણેય શખ્સોએ પોતે પત્રકારો છે એમ જણાવી કોઈ પ્રેસ કાર્ડ દેખાડયા હતાં અને ફરિયાદી રેસ્ટોરન્ટ સંચાલક પાસે રેસ્ટોરન્ટનું ફૂડ લાયસન્સ માંગ્યુ હતું. તે દરમિયાન ફૂડ લાયસન્સ દીવાલ પર શા માટે નથી લગાડયું અને પત્રકારો પાસે જમવાના પૈસા શા માટે માંગે છે વગેરે ધમકીઓ આપીને સંચાલકને અપશબ્દો કહ્યા હતાં અને ધમકીઓ પણ આપી હતી એમ ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે. પત્રકારોના ઓળખકાર્ડમાં ધર્મેશ ગોહેલ અને હરસુખ ગોહેલ લખેલું હતું એમ ફરિયાદીએ FIR માં લખાવ્યું છે. આ ત્રણેય શખ્સ કાલાવડમાં રહેતાં હોવાનું ફરિયાદમાં જણાવ્યુ છે. કાલાવડ પોલીસે આ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદના આધારે આઈપીસીની કલમ 504, 506(2) અને 114 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.