Mysamachar.in-અમદાવાદ:
મહિલાઓ દ્વારા પોલીસમાં એવી ઘણી ફરિયાદ દાખલ થતી હોય છે જેમાં કહેવાયું હોય છે કે, ફલાણા પુરૂષે તેણીને લગ્નની લાલચ આપી હતી અને ખોટી લાલચને આધારે આરોપીએ મારી સાથે આ પ્રકારનું વર્તન અને વ્યવહાર કર્યો હતો, મારૂં શોષણ કર્યું હતું, મારી સાથે દુષ્કર્મ કર્યું હતું વગેરે વગેરે.
આ પ્રકારના એક કેસમાં અમદાવાદની એક નીચલી અદાલતે એક આરોપીનો છૂટકારો ફરમાવ્યો હતો. અદાલતના આ નિર્ણયને વડી અદાલતમાં કાનૂની પડકાર આપવામાં આવ્યો હતો. વડી અદાલતે આ કેસમાં નીચલી અદાલતના ચુકાદાને કાયમ રાખી આરોપીનો છૂટકારો કર્યો.
આ કેસમાં વડી અદાલતે કહ્યું: જ્યારે કોઈ ફરિયાદી એમ કહે કે, આરોપીએ તેને લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બનાવ્યો હતો, એવા સંજોગોમાં ફરિયાદીએ ખોટાં વચન અંગે પુરાવાઓ આપવા પડે. આ કેસમાં એવા પુરાવાઓ હતાં જ કે, આ ફરિયાદી અગાઉ આરોપી સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. અને, દોઢ બે વર્ષથી તેઓ સતત એકમેકના સંપર્કમાં હતાં અને અવારનવાર મુલાકાતો પણ થતી.
બંને પક્ષોની દલીલો સાંભળી અદાલતે કહ્યું: આ કેસમાં આરોપીએ ફરિયાદી યુવતીને લગ્નની ખોટી લાલચ આપી હોય એવું સાબિત કરતો એક પણ પુરાવો રેકર્ડ પર નથી. આ કેસમાં જ્યારે યુવતીની તબીબી ચકાસણી થઈ ત્યારે પણ યુવતિએ તબીબોથી હકીકતો છૂપાવી હતી. આરોપીએ ફરિયાદીને શારીરિક સંબંધ બાંધતા અગાઉ લગ્નનું વચન આપ્યું હોય એવો એક પણ પુરાવો ફરિયાદ પક્ષ રજૂ કરી શક્યો ન હતો. યુવતિએ લાંબા સમય સુધી આરોપી સાથે સંબંધ જાળવી રાખ્યો હતો. તબીબી તપાસ વખતે યુવતિએ શરીર સંબંધની વાત કહી હતી પરંતુ જેની સાથે શરીર સંબંધ બનાવ્યો છે તેણે લગ્નનું વચન આપ્યું છે એવી કોઈ કેફિયત રેકર્ડ પર આપી નથી.
અદાલતે એમ પણ કહ્યું કે, યુવતિ શરીર સંબંધ અને તેના પરિણામો તેમજ તેની અસરો અંગે જાણકારીઓ ધરાવે છે. વડી અદાલતે એમ પણ સ્પષ્ટ રીતે કહ્યું કે, લોઅર કોર્ટ દ્વારા આ કેસમાં આરોપીનો છૂટકારો ફરમાવતો જે ચુકાદો આપવામાં આવ્યો છે, તે ચુકાદામાં અદાલત કોઈ જ દરમિયાનગીરી કરવા ચાહતી નથી.