Mysamachar.in-જામનગર:
દિલ્હી અને હરિયાણાની ખાનગી કંપનીના કર્મચારીઓ હવે તમારાં ઘરે, શેરીમાં કે કારખાના અને ઓફિસ-દુકાનના વીજપૂરવઠાની જવાબદારીઓ સંભાળશે. વીજપૂરવઠો ગાયબ થઈ જાય તો હવે વીજતંત્ર નહીં પણ ખાનગી કંપનીના માણસો આ ફોલ્ટ દૂર કરશે. વીજતંત્ર માત્ર બિલના નાણાં જ એકત્ર કરશે.
PGVCLએ 3 વર્ષ માટે પોતાના તમામ ફોલ્ટ સેન્ટર સંભાળવાનો કોન્ટ્રાક્ટ આ ખાનગી કંપનીઓને સોંપી દીધો. વીજતંત્રએ આ કંપનીઓની ઓફર ગત્ 7 જૂલાઈએ સ્વીકારી લીધી. આ માટે વીજતંત્ર આ ખાનગી કંપનીઓને રૂ. 272 કરોડ ચૂકવશે. જો કે, આ કંપનીઓને વર્ક ઓર્ડર આપવાની ગતિવિધિઓ હાલ ચાલી રહી છે.
આ ખાનગી સેવાઓ હાલ પાંચ વીજકચેરીઓ હેઠળના વીજસર્કલમાં અમલમાં આવશે. આ પાંચ સર્કલમાં જામનગર(દ્વારકા)નો પણ સમાવેશ થાય છે. આ ખાનગી કંપનીએ પોતાના માણસો અને વાહનો ગોઠવવાના રહેશે. વીજતંત્રની કઈ કચેરીએ કેટલાં વાહનો રાખવાના, વગેરે બાબતો નક્કી થઈ ગઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, વીજતંત્રના વર્ગ-4 ના તમામ લાઈનમેનને વર્ગ-3 માં સમાવવા બાબતે યુનિયનો દ્વારા PGVCL પર ભારે દબાણ હતું. આથી મેનેજમેન્ટે એવો રસ્તો શોધી કાઢ્યો કે, આ બઢતીની પણ ઉપાધિ નહીં અને લોકોની ફરિયાદો પણ સાંભળવાની નહીં. આ કારણોથી વીજતંત્ર ઘણી જ રાહતો અનુભવશે. અહીં મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે, આ ખાનગી કંપનીઓ લોકોની ફરિયાદો સારી રીતે ઉકેલશે ? વીજતંત્રના અધિકારીઓ આ ખાનગી કોન્ટ્રાક્ટર પાસે સારી રીતે કામ લઈ શકશે ? કે, લોકો ઉલમાંથી ચૂલમાં પડશે ? એ હવે જોવાનું રહ્યું. કારણ કે, ખાનગી કંપનીઓ તો અહીં ‘ધંધો’ કરવા આવે, એમને લોકોની તકલીફો દૂર કરવામાં કેટલો રસ પડશે, એ પ્રશ્નનો ઉત્તર આગામી સમયમાં મળી જશે.
-જામનગર વીજતંત્ર હેઠળ બંને જિલ્લાઓમાં કેટલાં વાહનો ગોઠવાશે ?..
વીજતંત્ર અને આ ખાનગી કંપનીઓ વચ્ચેના પત્રવ્યવહાર પરથી જાણવા મળે છે કે, વીજ સંબંધિત ફોલ્ટ નિવારવા જામનગર-1 ડિવિઝનમાં 5 વાહનો, જામનગર-2 માં 8 વાહનો, દ્વારકામાં 4 વાહનો, જામજોધપુરમાં 5 , જામનગર ગ્રામ્યમાં 7 અને ખંભાળિયા સબ ડિવિઝનમાં 4 એમ કુલ 33 વાહનો આ 2 જિલ્લાઓમાં કામગીરીઓ કરશે, એમ હાલ જાણવા મળે છે.