Mysamachar.in-જામનગર:
રાજકોટ અગ્નિકાંડ બાદ હવે જામનગર સહિત સમગ્ર રાજ્યમાં વિવિધ તંત્રો સફાળા જાગ્યા છે અને ફાયર પ્રિવેન્શન સિસ્ટમ મુદ્દે દોડધામ કરી રહ્યા છે, આ દોડધામ દર્શાવે છે કે, અત્યાર સુધી બધે જ લાલિયાવાડીઓ ચાલી રહી હતી. ગેમઝોન અને વોટર પાર્ક પછી હવે શૈક્ષણિક સંસ્થાઓ પર તવાઈ શરૂ થઈ છે. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓને ફાયર સેફટી બાબતે ઘટતી કાર્યવાહીઓ વેકેશન ખૂલે તે પહેલાં પૂર્ણ કરી લેવા આદેશ થયો છે.
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ કાલે બુધવારે બપોર બાદ જામનગર સહિત સમગ્ર રાજ્યના જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ અને તમામ મહાનગરોના શાસનાધિકારીઓને પરિપત્ર મોકલ્યો છે. જેમાં ફાયર સલામતી મુદ્દે વિવિધ અને વિસ્તૃત સૂચનાઓ આપવામાં આવી છે.
આ પરિપત્રમાં જણાવાયું છે કે, આગામી શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થઈ રહ્યું છે. એ પહેલાં તમામ શાળાઓમાં બાળકોની સલામતીની ચકાસણીઓ થઈ જાય એ જરૂરી છે. રાજ્યમાં આવેલી તમામ સરકારી અનુદાનિત અને બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બાળકોની સલામતી મહત્વપૂર્ણ મુદ્દો છે.
સાત વર્ષ અગાઉ 2017માં પણ આ સૂચનાઓ તમામ શાળાઓને આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યના ફાયર વિભાગે પણ 2021માં આ સૂચનાઓ બધી શાળાઓને આપેલી હતી જ. પરંતુ સૂચનાઓનું સો એ સો ટકા પાલન થતું નથી. આથી સરકારે વારંવાર આવી સૂચનાઓ આપવી પડે છે. આ વખતે સૂચનાઓનું 100 ટકા પાલન થશે ? કે, ફાઈલમાં એક વધુ કાગળનો ઉમેરો થશે ? ખરેખર તો ચેકિંગ કરીને ફાયર સલામતી ન ધરાવતી શાળાઓ સીલ જ કરી દેવી જોઈએ, એવો પણ એક મત છે.
શિક્ષણ વિભાગે આ પરિપત્રમાં વધુમાં જણાવ્યું છે કે, દરેક શાળાઓ પાસે ફાયર NOC છે ? રિન્યુ કરાવેલ છે ? 9 મીટર કે 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી ઈમારતોમાં કાર્યરત શાળાઓમાં રાજ્ય ફાયર નિયમો મુજબ ફાયર સલામતી માટેની લઘુતમ વ્યવસ્થાઓ છે કે નહીં ? તપાસ અધિકારીએ તપાસ કરવાની રહેશે. ફાયર એકસ્ટીંગયુસર લગાડેલા હોય તે એકસપાયર તારીખના નથી ને ? તે પણ ચકાસવાનું રહેશે.
આ ઉપરાંત જે શૈક્ષણિક સંસ્થાઓ 9 મીટર કે તેથી વધુ ઉંચાઈ ધરાવતી હોય, તેમજ એમાં જો બેઝમેન્ટ હોય અને તેનું ક્ષેત્રફળ જો 200 ચો.મી. થી વધુ હોય તેવા કિસ્સાઓમાં સંસ્થાએ ફાયર અધિકારી પાસેથી સર્ટિફિકેટ લેવું ફરજિયાત છે અને તે સર્ટિફિકેટની ચકાસણીઓ કરવાની રહેશે.
અત્રે નોંધનીય છે કે, સુપ્રિમ કોર્ટના 2017ના એક ચુકાદામાં જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા શાસનાધિકારીને પોતાના કાર્યક્ષેત્ર હેઠળની શાળાઓમાં સ્કૂલ સેફટી પોલીસી-2016ના અમલીકરણ માટે નોડલ ઓફિસર તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે. તેઓએ ચકાસણીઓ કરવી જોઈએ કે, ખાનગી સહિતની શાળાઓ આ તમામ નિયમોનું પાલન કરે છે કે કેમ ? અને જો તેઓ પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ રહ્યા હોય તો તેઓ વિરુદ્ધ કડક પગલાંઓ લેવા જોઈએ.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ તમામ નિયમોનું પાલન થાય છે ? જે ફાયર સેફટી સીસ્ટમ લગાવવામાં આવેલ તેની ગુણવતાઓ સામે પણ ભૂતકાળમાં સવાલો ઉઠી ચુકી છે..ત્યારે તેની ચકાસણીઓ કોણ કરે છે ? તપાસ રિપોર્ટ તૈયાર થાય છે ? કસૂરવાર સંસ્થાઓ વિરુદ્ધ એક્શન લેવાય છે ? શાળાઓમાં લાગેલી ફાયર સેફટી સિસ્ટમ યોગ્ય છે ? કાર્યરત છે ? વગેરે બાબતોની ચકાસણીઓ કોણ કરી રહ્યું છે ? આ બધી વિગતો અને માહિતીઓ તાકીદે જાહેર થવી જોઈએ.(symbolic image source:google)