Mysamachar.in-જામનગર:
ખાણીપીણીની ચીજોમાં ભેળસેળ અને નબળી કવોલિટી અથવા વાસી-અખાદ્ય પદાર્થો સૌ કોઈ માટે ચિંતાનો વિષય રહેતો હોય છે કારણ કે, આ બાબત સીધી જ આરોગ્ય અને માનવ જીવન સામે પડકાર ઉભા કરતી હોય છે. આગામી ટૂંક સમયમાં હવે આ બધી ચીજોના સેમ્પલનું પરીક્ષણ જામનગરમાં સ્થાનિક કક્ષાએ થઈ શકશે.
જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે જણાવ્યું છે કે, શહેરમાં કોર્પોરેશન હસ્તકની સેમ્પલ ચકાસણીઓ માટેની લેબોરેટરીને કાર્યરત કરવા માટેની પ્રોસેસ ઝડપભેર આગળ વધી રહી છે. અત્યાર સુધીમાં અમુક સ્ટાફની ભરતીઓ થઈ ગઈ છે. નજીકના દિવસોમાં ફૂડ એનાલિસ્ટની પણ ભરતી થઈ જશે. પછી લૂઝ પાણી સહિતના બધાં જ સેમ્પલની ચકાસણીઓ સ્થાનિક કક્ષાએ કરી શકાશે. હાલમાં મોટાભાગના સેમ્પલ વડોદરા મોકલવામાં આવે છે.
મહાનગરપાલિકાએ વધુમાં જણાવ્યું છે કે, ગત્ વર્ષે કોર્પોરેશન દ્વારા લૂઝ પાણીના 82 નમૂનાઓ લેવામાં આવ્યા હતાં. જેનું પરીક્ષણ સરકારી વિભાગની જલભવન લેબોરેટરી ખાતે કરવામાં આવેલું અને બ્રાન્ડેડ પીવાના પાણીના નમૂનાઓ વડોદરા મોકલવામાં આવ્યા હતાં. એક પણ નમૂનો ફેલ થયો નથી. આગામી સમયમાં પાણીજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખી શહેરમાંથી લૂઝ પાણીના સેમ્પલ લઈ તેની ચકાસણીઓ જામનગરમાં જ કરવામાં આવશે. લૂઝ પાણીના નમૂનાઓની તપાસ કેમિકલની દ્રષ્ટિએ અને બેકટેરિયાની દ્રષ્ટિએ-એમ બંને રીતે કરવામાં આવતી હોય છે, બાદમાં ફાઇનલ રિપોર્ટ તૈયાર થતો હોય છે, એમ ફૂડ શાખાએ જણાવ્યું છે.(symbolic image)
