Mysamachar.in-ગાંધીનગર:
વાત ગામડાંની હોય કે શહેરની, ખેતીની જમીન સહિતની કોઈ પણ જમીન અથવા કોઈ પણ પ્રકારની મિલ્કતની ખરીદી કે વેચાણમાં- સંબંધિત જમીન-મિલકતનું સતાવાર રેકર્ડ બહુ જ મહત્વનો મુદ્દો છે. જે અંગે બધું જ જાણવું જરૂરી બની જતું હોય છે. રાજ્યનાં મહેસૂલ વિભાગ દ્વારા આ માટે ખાસ અને એકમાત્ર સત્તાવાર વેબસાઇટ/એપ લોકસુવિધા તથા પારદર્શિતા માટે ઓપરેટ કરવામાં આવી રહી છે, જેની મુલાકાત આપણે માત્ર એક ક્લિકથી લઈ શકીએ. AnyRoR નામની આ એપ-સાઈટ અંગે કેટલીક જરૂરી બાબતોનો અત્રે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કોઈ પણ જમીન અથવા મિલ્કતની અધિકૃત વિગતો આ સાઈટ અને એપના માધ્યમથી આપણે મેળવી શકીએ છીએ. AnyRoR.gujarat.gov.in એડ્રેસ પર બધું જ ઉપલબ્ધ છે, એવું ગુજરાત સરકારે જાહેર કરેલું છે. 7/12 અને 8-એ માટે તેમાં અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનનું રેકર્ડ આથી આધુનિક સ્વરૂપમાં ઉપલબ્ધ બન્યું છે. લોકો ઘરે બેઠાં બધી જ વિગતો ઓનલાઇન જોઈ શકે છે. જમીનની વિગતો, જમીન માલિકની વિગતો, જમીનનો પ્રકાર, જમીન પરનો બોજો, જમીનની નોંધની માહિતી અહીં આપવામાં આવી છે. જમીનનાં માલિકોના અધિકારોના રક્ષણ ઉપરાંત anyRoR પોર્ટલ નાં યૂઝર્સ આથી ઓનલાઇન તમામ માહિતી એક્સેસ કરી શકે છે.
આ પોર્ટલ પર ગ્રામીણ અને શહેરી જમીન ઉપરાંત ડિજિટલ સાઈન્ડ દસ્તાવેજની નકલ, 7/12 ઓનલાઇન, જમીનની નોંધની માહિતી, જમીન પરનાં બોજાની માહિતી, જૂનાં દસ્તાવેજોની માહિતી તથા કલમ 135-D હેઠળની નોટિસની વિગતો બધું જ આ પોર્ટલ પર લોકો જોઈ શકે તે માટે મહેસૂલ વિભાગ આ પોર્ટલ નું સંચાલન કરે છે. બેંક લોન, મિલ્કતની માલિકીનો નિર્ણય, માહિતીનું ક્રોસ ચેક અપ, પ્રોપર્ટી કાર્ડ, જમીનનો ઈતિહાસ બધું જ આ પોર્ટલ મારફત મેળવી શકાય, અપડેટ કરી શકાય. અને, સૌથી મહત્વનો મુદ્દો એ છે કે – આ પોર્ટલ પર કોઈ જ ચાર્જ વસૂલવામાં આવતો નથી. વધુ માર્ગદર્શન માટે સ્થાનિક મહેસૂલ વિભાગ અથવા જાણીતાં રેવન્યુ વકીલનો સંપર્ક કરી શકાય.