Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં ઉપલા સ્તરથી માંડીને નીચે સુધી સૌ ભ્રષ્ટાચારમાં તરબોળ છે, ટેબલ નીચેની અધિકારીઓની આવક વધી રહી છે તેનું તાજું ઉદાહરણ રાજકોટના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા છે, જેની પાસેથી રોકડ અને સંપતિનો મોટો દલ્લો મળી આવ્યો છે, પણ રાજ્યના અન્ય વિભાગોમાં પણ ભરપુર ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક પત્ર જારી કરીને વર્ગ 1 થી માંડીને વર્ગ 3 સુધીના તમામ કર્મચારીઓ અધિકારીઓને તેમની સંપતિ ઉપરાંત પરિવારના સભ્યોની આવક અને સંપતિ સહિતની વિગતો માંગી છે અને જે અધિકારી કર્મચારી આ વિગતો જાહેર કરવામાં ઉણા ઉતરશે તેની સામે પગલા લેવાશે તેવું પણ સરકારે નિશ્ચિત કરી દીધું છે
મળતી માહિતી મુજબ આ નિર્ણય હેઠળ, લગભગ ચાર લાખ કર્મચારીઓએ 15 જુલાઈ સુધીમાં આ માહિતી આપવી ફરજિયાત છે. આ નવી નીતિ અંતર્ગત, કર્મચારીઓએ માત્ર તેમની વ્યક્તિગત આવક જ નહીં, પરંતુ તેમના જીવનસાથી અને અન્ય પારિવારિક સભ્યોની આવકની વિગતો પણ જાહેર કરવી પડશે. વારસામાં મળેલી મિલકતની માહિતી પણ સરકારને આપવી પડશે,
જાહેર કરવાની સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, ફિક્સ્ડ ડિપોઝિટ્સ, સોના ચાંદીના આભૂષણો, કૃષિ જમીન અને રિયલ એસ્ટેટમાં રોકાણનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના મુખ્ય સચિવ કમલ દયાનીએ જારી કરેલા પરિપત્રમાં ઉચ્ચ અધિકારીઓથી લઈને ક્લાર્ક સુધીના તમામ કર્મચારીઓને આ માહિતી પ્રદાન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે આ પરિપત્રની અમલવારી કેટલી અને કેવી થાય છે.(file image source:google)