Mysamachar.in-અમદાવાદઃ
શિયાળાની શરૂઆત થતા જ લગ્નની સીઝન પણ શરૂ થઇ ગઇ છે, લગ્ન પ્રસંગમાં વર-કન્યા બંને પક્ષે મોટી સંખ્યામાં મહેમાનો આવતા હોય છે, આ દિવસે કોન કોને ત્યાં મહેમાન છે તે ઘરધણી ખુદને પણ ખ્યાલ નથી હોતો, આ વાતનો ફાયદો કેટલીક ચોર ટોળકી ઉઠાવે છે અને લાખોની ઉઠાંતરી કરી ફરાર થઇ જાય છે, આવી જ એક ઘટના અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં બની, અહીં ગુલાબ ટાવર પાસે ગૌરવ બંગલોમાં લગ્ન પ્રસંગમાં જમવા બેઠેલી મહિલાની નજર ચૂકવી 4.50 લાખના દાગીના ભરેલી બેગની ચોરી થઇ, બાદમાં સીસીટીવી ચેક કરતાં બહાર આવ્યું કે આ ચોરી સૂટબૂટ પહેરીને આવેલા એક ટાબરિયાએ કરી હતી. સમગ્ર ઘટના અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
ફરિયાદ બાદ પોલીસે સૌપ્રથમ લગ્ન પ્રસંગમાં કરવામાં આવેલી વીડિયોગ્રાફી ચેક કરી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું. વીડિયોગ્રાફીમાં દેખાયું કે જે મહિલાના દાગીના ભરેલી બેગ ગુમ થઇ છે તેની બાજુમાં એક સૂટબૂટ પહેરીને ટાબરિયો જમવા બેઠો હતો. ત્યારબાદ તક મળતાં જ ટાબરિયો બેગ સેરવીને ફરાર થઇ ગયો. લગ્ન પ્રસંગમાં ટાબરિયા ગેંગ દ્વારા આ પ્રકારની ચોરીની ઘટના અનેક વખત સામે આવી ચૂકી છે. સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં માસુમ દેખાતા બાળકો પર કોઇ નજર રાખતું નથી, જેના કારણે ચોર ટોળકી આ વાતનો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને લાખોની ચોરીને સરળતાથી અંજામ આપી દે છે.