Mysamachar.in-સુરેન્દ્રનગર:
હમણાં હમણાં કાર સળગવાના કિસ્સાઓ ખુબ વધી રહ્યા છે, એવામાં કારમાં મુસાફરી કરતા લોકોએ ચેતવાની પણ જરૂર છે, તમે વાહન લઈને બહાર નીકળો એટલે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. રસ્તા પર ગમે તેટલી સાવધાની સાથે વાહન ચલાવતા હોવ તો પણ જો કોઈ દુર્ઘટના સર્જાવાની હોય તો તે થઈને જ રહે છે. પરંતુ, સાવધાની રાખવાથી દુર્ઘટનામાં બચી જરૂર શકાય છે. કાર સળગવાનો વધુ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે. જેમાં રસ્તા પર ચાલુ કાર અચાનક સળગવા લાગી હતી, જોકે ડ્રાઈવરની સમયસૂચકતાથી કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો છે.
સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ નેશનલ હાઈવે ઉપર પૂરપાટ જતી કાર અચાનક ભડ-ભડ સળગી ઊઠી હતી. જોકે, કાર ચાલકની સમયસૂચકતાથી કારમાં સવાર તમામ ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર માલિક અને સવાર મુસાફરોની નજર સામે જ જોત-જોતામાં કાર ભડ-ભડ સળગી ઉઠી હતી. તેમણે તત્કાલીક પોલીસ અને ફાયર હેલ્પ લાઈન નંબર પર ફોન કરતા, થોડી ક્ષણોમાં ફાયરની ટીમ પોલીસ સાથે આવી પહોંચી હતી, અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.