Mysamachar.in-જામનગર:
કાળઝાળ ઉનાળાનો સમય અને ચોમાસાના પ્રારંભના સમયમાં તેમજ ચોમાસા દરમિયાન, કવોલિટીની દ્રષ્ટિએ નબળાં પાણીના ઉપયોગને પરિણામે પાણીજન્ય અને ગંભીર એવો કોલેરા રોગ દેખા દેતો હોય છે અને ઝડપથી પ્રસરી પણ જતો હોય છે, રાજ્યના અન્ય જિલ્લાઓ માફક જામનગર શહેરમાં પણ કોલેરાના રોગની એન્ટ્રી પછી, હવે આ રોગના કેસોમાં ઉમેરો થઈ રહ્યો હોય, લોકોએ તથા તંત્રએ હવે એકદમ એલર્ટ બની જવું પડશે. એક તરફ કોલેરાના પોઝિટીવ કેસ વધી રહ્યા છે અને બીજી તરફ કોલેરાના શંકાસ્પદ કેસો પણ નોંધપાત્ર પ્રમાણમાં જાહેર થતાં શહેર અને જિલ્લાના આરોગ્યતંત્રમાં દોડધામ જોવા મળી રહી છે.
સામાન્ય રીતે કાળઝાળ ઉનાળાના દિવસોમાં ઝાડા ઉલટીની બિમારી વેગ પકડતી હોય છે. તે દરમિયાન, નબળી કવોલિટીના પાણીનો પિવામાં તથા ખોરાકમાં ઉપયોગ થવાને કારણે કોલેરાની બિમારી પણ દેખા દેતી હોય છે. ગુજરાતમાં છેલ્લા એકાદ મહિનાથી આ અહેવાલો મળી રહ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં, આણંદ જિલ્લામાં તથા રાજકોટ જિલ્લાના ઉપલેટાની સાથેસાથે જામનગર શહેરમાં પણ છેલ્લા કેટલાંક દિવસોથી કોલેરા ચર્ચાઓમાં છે. અને, આ રોગના પોઝિટીવ તથા શંકાસ્પદ કેસો વધી રહ્યા હોય, હવે જાગૃતિ ઉપરાંત ચિંતાઓ પણ વધી છે. વધી રહી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેરમાં આઠેક દિવસ અગાઉ એમ જાહેર થયેલું કે, સિલ્વર સોસાયટીમાં રહેતાં 50 વર્ષ આસપાસનો એક પુરૂષ કોલેરા પોઝિટીવ જાહેર થયા બાદ તેને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ થઈ ગયા છે. આ સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્યતંત્ર દ્વારા સર્વે પણ કરાવવામાં આવેલો અને કોર્પોરેશનના વોટર વર્કસ વિભાગને પણ એલર્ટ કરી, એ ચકાસણીઓ કરવા જણાવાયું હતું કે, શહેરમાં કયાંય, પિવાના ઉપયોગમાં લેવાતું પાણી દૂષિત તો નથી ને. આ સાથે જ ચોક્કસ વિસ્તારોમાં ચકાસણીઓ થયેલી. પાણીના કલોરિનેશન પર પણ ધ્યાન આપવામાં આવેલું. નગરજનોને કલોરિન ટેબલેટનું વિતરણ પણ કરવામાં આવેલું.
દરમિયાન, એવું જાહેર થયું છે કે, ફરી એકવાર કોલેરા પોઝિટીવ કેસ જાહેર થયા છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. હરેશ ગોરીએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે, શહેરના એમ.પી.શાહ ઉદ્યોગનગર નજીકના રહેણાંક વિસ્તારમાં એક પરિવારના 6 માસના બાળકનો રિપોર્ટ કોલેરા પોઝિટીવ જાહેર થયો છે, આ ઉપરાંત શહેરના લાલખાણ વિસ્તારમાં આશરે 25-30 વર્ષની એક મહિલાનો રિપોર્ટ પણ કોલેરા પોઝિટીવ જાહેર થયો છે. આ સાથે સર્વે દરમિયાન કોલેરાના વધુ 8 શંકાસ્પદ કેસ મળી આવતાં તેઓને પણ જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. શંકાસ્પદ કેસો શહેરના અલગ-અલગ વિસ્તારોના છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અન્ય એક સમાચાર એ પણ છે કે- જામનગરની મેડિકલ કોલેજ દ્વારા 500 આરોગ્યકર્મીઓને કોલેરારોગની નાબુદી માટે તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. જેમાં જીજી હોસ્પિટલ તથા મહાનગરપાલિકાના આરોગ્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ તકે જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના સિનિયર પ્રાધ્યાપકો, તબીબો, કોર્પોરેશનના તબીબો, અધિકારીઓ તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના તબીબો તથા અધિકારીઓ વગેરેએ તાલીમાર્થીઓને કોલેરા રોગ તથા તેના નિયંત્રણ સંબંધે માહિતીઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
