Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં દિવસે ને દિવસે ઓનલાઈન છેતરપીંડીના કેસોની સંખ્યા સતત ને સતત વધી રહી છે, તેમાં પણ પેટીએમ કેવાયસી કરવાના નામે તો કેટલાય લોકો પોતાના લાખો રૂપિયા ગુમાવ્યા હોવાના કેટલાક દાખલાઓ સાયબર ક્રાઈમ સેલ પાસે છે, તેવામાં આવી જ એક છેતરપીંડી નો ભોગ ભણેલ ગણેલ પ્રોફેસર પણ બન્યા છે, પેટીએમનું કેવાયસી અપડેટ કરાવવાના બહાને ગઠિયાએ યુવા પ્રોફેસરના ખાતામાંથી 2.94 લાખ ઉપાડી લીધા. ગઠિયાએ પ્રોફેસરને લિંક મોકલી હતી, જે ઓપન કરતા એક ઓટીપી આવ્યો હતો, જે તેમણે ગઠિયાને આપતાં પૈસા ઊપડી ગયા હતા. ગોતામાં રહેતા દર્શન પટેલ ઓગણજની અમદાવાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પ્રોફેસર છે. તેમનું સેલરી એકાઉન્ટ પેટીએમ સાથે લિંક છે. 26 માર્ચે તેમને મેસેજ અને ફોન આવ્યો હતો, જેમાં પેટીએમ કેવાયસી અપડેટ કરવા સૂચના આપી હતી.
આથી દર્શનભાઈને પ્લે સ્ટોરમાંથી ક્વિક સપોર્ટ એપ ડાઉનલોડ કરીને મેસેજમાં ઓટીપી નંબર આવે તે આપી દેવા ગઠિયાએ કહ્યું હતંુ. આથી તેમણે એપ ડાઉનલોડ કરીને ઓટીપી આપી દીધો હતો. ત્યાર બાદ તેણે તેમના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી 2.94 લાખ ઉપાડી લીધા હતા. આ અંગે દર્શનભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગઠિયાએ જુદા જુદા ટ્રાન્ઝેક્શનથી દર્શન પટેલના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લેતા તેને ફોન કર્યો હતો. ગઠિયાએ તેમને કહ્યું હતું કે હા તમારા ખાતામાંથી પૈસા ઊપડી ગયા છે. સર્વરડાઉન છે એટલે 24 કલાકમાં પૈસા પાછા મળી જશે. જોકે ત્યાર બાદ છેતરપીંડી થયાનો અહેસાસ થતા પ્રોફેસરે પોલીસની મદદ માંગી છે.