Mysamachar.in-વલસાડ
રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે પણ બુટલેગરો અવનવી તરકીબો અજમાવી અને ગુજરાતમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા હોય છે. આજે વલસાડ જિલ્લાના પારડી પોલીસે સરકારી એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એમ્બ્યુલન્સના ચાલકને ઝડપી પાડયો છે. પોલીસે દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી અંદાજે 12 હજારથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એમ્બ્યુલન્સના ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ઓરવાડના એક ખેપિયાને દમણ પાર્સિંગની સરકારી એમ્બ્યુલન્સમાં દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે સારણથી બગવાડા જતા માર્ગ પર વોચ ગોઠવી DD 03 P0 109 નંબરની એમ્બ્યુલન્સ આવતા બગવાડા હાઈસ્કૂલ સામે અટકાવી હતી.
આ એમ્બ્યુલન્સ પર ગવર્મેન્ટ હોસ્પિટલ દમણ, માનનીય સાંસદસભ્ય સાંસદસભ્ય સ્થાનિક વિકાસ ફંડમાંથી આ વાહન દમણ વાસીઓ માટેનું લખાણ જોવા મળ્યુ હતું. એમ્બ્યુલન્સમાં તપાસ કરતા થેલાંઓ મળ્યા હતા. જેમાં દારૂની 120 બોટલો કિંમત રૂ.12 હજારનો જથ્થો મળતાં એમ્બ્યુલન્સ ચાલક નીખીલ ઉર્ફે નીરવ ઈશ્વરભાઈ ભંડારી રહે ઓરવાડ મહાદેવ નગરની ધરપકડ કરી હતી. ઝડપાયેલા ચાલકની પૂછપરછમાં તેણે આ દારૂ કિકરલાના વિશાલ રામુભાઈ પટેલે ભરી આપ્યો હોવાનું અને તેને જ આપવાનો હોવાનું જણાવતા વિશાલને વોન્ટેડ જાહેર કર્યો છે.
પોલીસે 7 લાખની એમ્બ્યુલન્સ પણ કબજે લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આવા કપરા કાળમાં પણ દમણની સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સનો ચાલક એમ્બ્યુલસ દર્દીઓની હેરાફેરી માટે નહીં પરંતુ દારૂની હેરાફેરી માટે વાપરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. વલસાડ જિલ્લાની પારડી પોલીસે હવે આ એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલની છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે. જોકે અત્યારે તો એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનો પર્દાફાશ થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.