Mysamachar.in: મહેસાણા
પોલીસ સ્ટેશનની ચાર દીવાલોની વચ્ચે શું શું ચાલતું હોય છે ? તેની થોડીઘણી ઝલક હિન્દી અથવા દક્ષિણની કેટલીક ફિલ્મોમાં ઘણી વખત જોવા મળતી હોય છે પરંતુ જાણકારોના કહેવા અનુસાર, ફિલ્મોની કહાનીઓથી પણ વધુ અચરજ ઘણાં કેસમાં પોલીસ વિભાગમાં રિઅલમાં જોવા મળતાં હોય છે. આવો એક કિસ્સો બહાર આવી ગયો છે.એક પોલીસમથકમાં આપઘાતની એક FIR દાખલ થાય છે, તપાસ થાય છે, ચાર્જશીટ તૈયાર થાય છે, આ ચાર્જશીટ અદાલતમાં ફાઈલ પણ થાય છે, એ તબક્કે ખબર પડે છે કે, આ કેસમાં આરોપી વિરુદ્ધ એક માત્ર પુરાવો હતો એ કાગળ જ ગૂમ છે, આ કાગળ ભોગ બનનારના હાથે, મર્યા પહેલાં લખાયેલો હતો એટલે કે એ સુસાઈડ નોટ હતી, જે ગૂમ થઈ ગઈ- એવું પોલીસ કહી રહી છે. અદાલત ચોંકી ઉઠી.
આ મામલો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સતલાસણા પોલીસ સ્ટેશનનો છે. આ કેસમાં પોલીસ ઈન્સ્પેક્ટરની અગાઉ બદલી થઈ ગઈ છે. અને, ક્રાઈમ રાઈટર હેડની પણ અગાઉ અન્ય પોલીસ સ્ટેશનમાં બદલી થઈ ગઈ છે. આ કેસમાં પોલીસે આરોપી વિરુદ્ધનું ચાર્જશીટ અદાલતમાં ફાઈલ કર્યા બાદ જાહેર થયું કે, આ આપઘાત કેસમાં ભોગ બનનારની સુસાઈડ નોટ જ ગૂમ છે, જે આરોપી વિરુદ્ધનો રેકર્ડ પરનો એક માત્ર ફિઝિકલ પુરાવો હતો. અદાલતે આ સુસાઈડ નોટ પોલીસ પાસે વારંવાર માંગી, છેલ્લે પોલીસે હાથ ઉંચા કરી દીધાં અને કહી દીધું કે, સુસાઈડ નોટ પોલીસ પાસે નથી !!
આ કેસના તત્કાલીન તપાસ અધિકારી કહે છે: આ સુસાઈડ નોટ ક્રાઈમ રાઈટર હેડે ગૂમ કરી છે. આ રાઈટર હેડ કહે છે: સુસાઈડ નોટ તપાસ અધિકારીએ ગૂમ કરી છે. હાલમાં આ કેસમાં પોલીસે અદાલતમાં સોગંદનામું દાખલ કર્યું છે.આ આપઘાત કેસમાં વિસનગર અદાલતે આકરૂં વલણ અખત્યાર કરી, મહિલા ફોજદાર સહિત કુલ 4 પોલીસકર્મીઓને અદાલત સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે અને હવે પછીની સુનાવણી આવતાં સપ્તાહે થશે, સમગ્ર મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં આ કેસ ચકચારી બન્યો છે.