Mysamachar.in-રાજકોટ:
સમગ્ર ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટમાં કાર્યરત થવાનો હજુ તો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, એ દરમિયાન અત્યાર સુધીમાં એક ભરતી કૌભાંડ સહિતના 2-3 મામલાઓ તો નોંધાઈ પણ ચૂક્યા છે અને હવે, આ હોસ્પિટલના એક સિનિયર મહિલા તબીબે 4 મોટાં હોદ્દેદારો વિરુદ્ધ ઉત્પીડન અને ગુંડાગીરી મામલે ચોંકાવનારી ફરિયાદઅરજી દાખલ કરતાં અને તેમાં તપાસનો આદેશ પણ છૂટતાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સનસનાટી પ્રસરી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં સપ્તાહ અગાઉ કોલકાતા ખાતે એક મહિલા તબીબ સાથે ન બનવાનું બની જતાં અને આ મહિલાની ક્રૂર રીતે હત્યા નિપજાવવામાં આવતાં, સડકથી સુપ્રિમ કોર્ટ સુધી બધે જ કોલકાતા ગાજી રહ્યું છે. આ પ્રકરણને કારણે દેશભરમાં મહિલા તબીબ સંબંધિત ફરિયાદો અને અરજીઓ અંગે સતર્કતા જોવા મળી રહી છે. ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટ ખાતે કાર્યરત થઈ રહી છે એવા સમયે અહીં એક સિનિયર મહિલા તબીબ પોતે હેરાનગતિનો ભોગ બની રહ્યા છે, એવી રજૂઆત કલેક્ટર સહિતના અધિકારીઓ સમક્ષ પહોંચાડતા આ મામલો ગરમાયો છે.
આ મહિલા તબીબે એક મહિના અગાઉ કલેક્ટર સમક્ષ ફરિયાદ અરજી દાખલ કરેલી. જેમાં 4 નામો છે: કર્નલ ડો. સીડીએસ કટોચ, ડીન ડો. સંજય ગુપ્તા, એચઓડી અશ્વિન અગ્રવાલ અને વહીવટી અધિકારી જયદેવસિંહ વાળા. આ અરજીમાં જણાવાયા અનુસાર, આ મહિલા તબીબ સાથે ઘણાં સમયથી ગુંડાગીરી, ઉત્પીડન અને લિંગ આધારિત ભેદભાવ થયાના આક્ષેપ છે. કલેક્ટરે આ અરજી પોલીસ કમિશનરને મોકલી હતી. કમિશનરે ગાંધીગ્રામ પોલીસને તપાસ માટે આ અરજી મોકલાવી. સ્થાનિક પોલીસે આ અરજી હોસ્પિટલની આંતરિક ફરિયાદ સમિતિને મોકલી છે. અને, 30 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા જણાવ્યું છે.
આ સમિતિએ મહિલા તબીબને પુરાવાઓ તૈયાર રાખવા અને નિવેદન માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ જ સપ્તાહમાં એમનું નિવેદન લેવામાં આવશે. અને, ત્યારબાદ કર્નલ ડો. કટોચ, ડો. ગુપ્તા, ડો. અગ્રવાલ અને વહીવટી અધિકારી વાળાના નિવેદનો લેવામાં આવશે. વાળા કહે છે: આ અગાઉ આ મહિલા તબીબે વુમન સેલમાં ડો. કટોચ સહિતનાઓ સામે ફરિયાદ કરી હતી. ત્યારે, ડો. અરોરાએ 60 પાનાનો જવાબ રિપોર્ટ આપ્યો હતો.