Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદ મહાનગરપાલિકાએ મિલકતવેરાની વસૂલાત વધારવા માટે તથા બાકી કરદાતાઓને ભીંસમાં લેવા એક અમદાવાદી ટ્રીકનો ઉપયોગ કર્યો છે. જો આ ટ્રીક સફળ રહી તો વેરા વસૂલાત વધી શકે છે. અમદાવાદ કોર્પોરેશનની મહેસૂલ સમિતિએ ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ઓફ ઈન્ડિયા લિમિટેડ (સિબિલ)ને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, કોર્પોરેશનના જે કરદાતાઓ મિલકતવેરાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહેતાં હોય તે કરદાતાઓનો સિબિલ ક્રેડિટ સ્કોર તૈયાર કરતી વખતે, ટેક્સ ડીફોલ્ટ ખાસ પેરામીટર તરીકે ધ્યાનમાં લેવામાં આવે. કોર્પોરેશનની આ ભલામણ સિબિલ દ્વારા સ્વીકારવામાં આવશે તો, આ પ્રકારના કરદાતાઓના સિબિલ સ્કોર પર તેની અસરો દેખાશે.
અત્રે નોંધનીય છે કે, સિબિલ સ્કોર લોન અને ફાઈનાન્સ મેળવવાની પ્રક્રિયામાં મહત્વનું પેરામીટર છે. સિબિલ સત્તાવાળાઓ ખૂબ જ ચીવટથી આ સ્કોર તૈયાર કરતાં હોય છે. અમદાવાદ મહાનગરપાલિકા રૂ. 50,000 કે તેથી વધુ બાકી મિલકતવેરા ધરાવતાં મિલકતધારકોની પ્રથમ યાદી સિબિલ સત્તાવાળાઓને મોકલશે. પછીનાં તબક્કામાં આ કાર્યવાહી વધુ સઘન અને અસરકારક બનાવવામાં આવશે. કોર્પોરેશન જણાવ્યું છે કે, બીજાં તબક્કામાં તમામ વેરા બાકીદારોની યાદી સિબિલ સત્તાવાળાઓને મોકલવામાં આવશે. આ માટે ટેકસ વિભાગનાં અધિકારીઓ સિબિલ સત્તાવાળાઓ સાથે બેઠક યોજશે.