Mysamachar.in-અમદાવાદ
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલમાં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો અને આ ઘટનામાં આઈસીયુમાં દાખલ કોરોનાના 8 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે. આ ઘટના બાદ પીએમ મોદીએ પણ એક ટ્વિટ કર્યું હતું. શ્રેય હોસ્પિટલના ચોથા માળે કોરોના વોર્ડ બનાવવામાં આવ્યો છે, જેના આઈસીયૂ વોર્ડમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગની ઘટના બનવા પામી છે.
હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો પહોંચ્યો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ખુબ જ મોડું થઈ ગયું હતું. આ ઘટનામાં 8 દર્દીઓ જીવતા ભૂંજાયા હતા અને હોસ્પિટલના ચોથા માળે તમામ કાટમાળ બળીને ખાખ થઈ ગયો છે.આ ઘટનામાં શોર્ટ સર્કિટથી હોસ્પિટલમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના અંગે વડાપ્રધાન મોદી એ ટવીટ કરી દુખ વ્યક્ત કરવા સાથે ઘટના અંગે સીએમ સાથે પણ વાતચીત કરી છે, આ અંગે રાજ્યના સીએમ રૂપાણીએ પણ તાત્કાલિક જવાબદારો સામે તપાસના આદેશ આપ્યા છે. અને બે સીનીયર આઈએએસ અધિકારીઓને ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે.