Mysamachar.in:અમદાવાદ
સૌરાષ્ટ્ર કેટલીક બાબતોમાં ભારે કમનસીબ છે. દાખલા તરીકે રેલવે અને હાઈવે દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેનું જોડાણ. સૌરાષ્ટ્રને ઈલેક્ટ્રીક રેલસેવા તો દૂરની વાત છે, ડબલ ટ્રેક મળતાં પણ દાયકાઓ પસાર થઈ ગયા ! સૌરાષ્ટ્રને આટલાં અન્યાયો શા માટે ?! અને, સૌરાષ્ટ્ર તથા અમદાવાદને જોડતો એકમાત્ર અને અતિ મહત્ત્વનો એવો લીંબડી હાઇવે પણ દાયકાઓથી માથાનો દુઃખાવો રહ્યો છે ! આ હાઈવે પર અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રનાં હજારો લોકોનો ઘાતક અકસ્માતમાં ભોગ લેવાયો છે. આ ઉપરાંત આ હાઈવેનું નિર્માણ પણ કાયમ ચર્ચામાં રહ્યું છે, વર્ષોથી !
આ હાઈવેનાં નિર્માણ સંબંધિત જાહેરાતોમાં ચૂંટણીઓ ટાણે અને આડે દિવસે પણ ફોર લેન, સિકસ લેન અને દસ માર્ગીય હાઈવે એવી વારતાઓ સૌએ ભરપેટ કરી છે અને તાળીઓ ઉઘરાવી છે ! વાસ્તવિકતા વર્ષોથી એ રહી છે કે, રાજકોટ અને અમદાવાદને જોડતાં આ હાઈવેનાં નિર્માણમાં અત્યાર સુધી ગોબાચારીઓ ચલાવવામાં આવી છે અને આજની તારીખે પણ લોલંલોલ ચાલી રહ્યું છે ! રોજ હજારો લોકો પરેશાન થાય છે.
આ હાઈવે પર તાજેતરમાં 15 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો ! ડાઈવર્ઝન પણ નહીં ! કલ્પના કરો, વિવિધ ઈમરજન્સી કામોમાં રોકાયેલાં હજારો લોકોએ કેવો ત્રાસ અને કેવી તકલીફો સહન કરવી પડી હશે ?! આ હાઈવે નિર્માણ અંગે RTI અરજીઓ પણ ઘણી થાય છે. ઘણાં ચક્કર પણ બહાર આવે છે છતાં કોઈ પણ કોન્ટ્રાક્ટરને દંડ પણ થતો નથી ! કોન્ટ્રાક્ટરોને છાવરવા પાછળ શું આશય હોય શકે ? તે સમજી શકાય તેવી બાબત છે.
આ માર્ગ પર અનેક બ્રિજના કામો, આટલાં વર્ષો પછી પણ બાકી છે. ઘણાં ઠેકાણે સર્વિસ રોડ પણ આપવામાં આવ્યા નથી. અને 2020માં આ હાઈવેનું નિર્માણ પૂર્ણ કરવાનું હતું. આજની તારીખે કામો ચાલુ છે ! સરકારી ઈજનેરો, સુપરવાઈઝરોની અને સાહેબોની ભૂમિકાઓ પણ શંકાનાં સ્કેનર હેઠળ છે ! અને જનપ્રતિનિધિઓ તો જાણે કે આ કામથી જ અજાણ હોય એમ કોઈ કાંઈ બોલતું પણ નથી ! રાજકોટ-અમદાવાદ વચ્ચેનાં આ હાઈવેનું નિર્માણ લોકો માટે હાલાકીને બદલે આશિર્વાદરૂપ પૂરવાર થાય એ રીતે અને એ ગતિએ કામ કરવામાં ખૂટે છે શું ?! ઈચ્છાશક્તિ ?! એવો પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે.