Mysamachar.in-જામનગર:
જામનગરમાં ગણતરીના દિવસોમાં અમદાવાદ GSTની આગેવાનીમાં ટીમો ફરી વખત ત્રાટકી. ગઈકાલે શુક્રવારે ઉદ્યોગના બંધના વારે શરૂ થયેલી સર્ચ અને દરોડાની ઓપરેશન પ્રોસેસ આજે બીજે દિવસે પણ ચાલુ રહેતાં, બ્રાસ ઉદ્યોગ, બિલ્ડર લોબી અને C.A. વર્તુળોમાં અનેક પ્રકારની બિનઆધિકારીક માહિતીઓ ચર્ચાઓમાં છે. જો કે, GST દ્વારા આ કાર્યવાહીઓની વિગતો જો જાહેર થશે તો પણ હવે થશે.
વિવિધ વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ અનુસાર, કેટલાંક ધંધાર્થીઓ દ્વારા GST કૌભાંડ આચરવામાં આવ્યું છે. પરંતુ સાથે એમ પણ ચર્ચાઓ છે કે, ધંધાર્થીઓની જાણ બહાર (!) કોઈ C.A. દ્વારા ‘ખેલ’ પાડવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં અમદાવાદ ઉપરાંત રાજકોટ, ભાવનગર વગેરે શહેરોની ટીમો પણ જોડાઈ હોવાનું કહેવાય છે અને આશરે 2 ડઝન જગ્યાઓની ‘મુલાકાત’ લેવામાં આવી હોવાનું પણ કહેવાય છે.
એમ પણ બહાર આવી રહ્યું છે કે, અલ્પેશ પેઢડીયા નામના કોઈ C.A. ઉપરાંત તેની સાથે સંકળાયેલી માનવામાં આવતી પેઢીઓ બ્રહ્મ એસોસિએટ અને એસ્પાયર ઈનકોર્પોરેશન સહિતની કંપનીઓમાં તપાસ ચાલી રહી હોવાનું સૂત્ર કહે છે અને ઉમેરે છે કે, તપાસના અંતે વધુ અને સત્તાવાર માહિતીઓ બહાર આવી શકે છે. ITC કૌભાંડ છે કે GST ચોરી- એ વિગતો પણ હવે બહાર આવી શકે છે, અત્યારે મામલો 100 કરોડ આસપાસનો હોવાની ચર્ચાઓ છે.