Mysamachar.in-જામનગર:
જામનગરના બ્રાસઉદ્યોગમાં લાંબા સમય બાદ મોટી હલચલ જોવા મળી રહી છે, અમદાવાદના અધિકારીઓએ ગત્ રોજ જામનગરમાં સપાટો બોલાવી દીધો. સાતેક જેટલાં ઉદ્યોગકારો પર મોટી પેનલ્ટી ઝીંકાતા હાલ બીજે દિવસે પણ બ્રાસપાર્ટ્સ ઉદ્યોગમાં આફ્ટરશોક ચર્ચાઓમાં છે. સ્થાનિક આગેવાનોની રજૂઆતોને તંત્રએ દાદ આપી નથી. તેથી ઉદ્યોગકારો સમસમી ગયાનું જાણવા મળે છે.
જામનગરમાં ગઈકાલે મંગળવારે બપોર બાદ અમદાવાદ GSTની સેન્ટ્રલ ટીમ ત્રાટકી હતી. આ ટીમે દરેડ ઉદ્યોગનગર નજીકના રેલ્વે ઓવરબ્રીજ ખાતે ઉભા રહી, બ્રાસ ઉદ્યોગના માલની હેરાફેરી જે છકડારિક્ષા સહિતના વાહનોમાં થતી હોય છે, તે હેરાફેરીને ચકાસી હતી. આ ચકાસણીઓ દરમ્યાન અધિકારીઓના ધ્યાન પર આવ્યું કે, આ પૈકી કેટલાંક વાહનો, આશરે સાતેક જેટલાં, એવા હતાં જેમાં માલની જે હેરફેર થતી હતી એમની પાસે નિયમ મુજબના મુખ્ય દસ્તાવેજો ન હતાં. કેટલાંક વાહનચાલકોએ આ માલના જરૂરી કાગળો દેખાડવાનો ઈનકાર કર્યો હતો. આથી આખરે અધિકારીઓએ આશરે 1,500-1,600 કિલો જેટલાં આ માલને નિયમ વિરુદ્ધનો ગણી બધાં જ માલ પર 136 ટકા પેનલ્ટી ફટકારી દીધી. આથી ઉદ્યોગકારોમાં ભારે ફફડાટ મચી ગયો છે.
આ સમગ્ર મામલા સંબંધે GST વર્તુળો જણાવે છે કે, આ તમામ માલની હેરફેરને ‘ગેરકાયદેસર’ ગણી ઉદ્યોગકારોને પેનલ્ટી મેમો આપવામાં આવ્યા છે. જે ઉદ્યોગકારો આ મેમોની રકમો સરકારી ચલણ મારફતે ડીપાર્ટમેન્ટમાં જમા કરાવશે તે ઉદ્યોગકારનો એટલો માલ છોડવામાં આવશે.તેનો અર્થ એ થયો કે, ઉદ્યોગકારોની રજૂઆત કે વિનંતી ધ્યાન પર ન લઈ અધિકારીઓએ કાયદાકીય જોગવાઈ અનુસાર કાર્યવાહીઓ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચોક્કસ પ્રકારની કરચોરી અને કૌભાંડ દરેક ક્ષેત્રમાં ધંધાર્થીઓ દ્વારા આચરવામાં આવતાં હોય છે, જે પૈકી અમુક મામલા વિભાગો દ્વારા આ રીતે, ક્યારેક ક્યારેક ઝડપી લેવામાં આવતાં હોય છે.
ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખે કહેલું…
એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢીયાના જણાવ્યા મુજબ, આ બ્રાસ પાર્ટ્સ ફિનિશ માલ ન હતો, મજૂરીકામ માટેનો અર્ધતૈયાર માલ હતો. આમ છતાં અધિકારીઓએ કાર્યવાહીઓ કરી.
GIDC પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન કહે છે…
એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ જણાવ્યું કે, આ પ્રકારનો બ્રાસ પાર્ટ્સ માલ મજૂરીકામ માટે એક કારખાનેથી બીજી જગ્યાઓ પર મોકલવામાં આવતો હોય છે. આ મજૂરીકામ કરતાં ધંધાર્થીઓ નાના માણસો હોય છે, જે પૈકી ઘણાં તો GST નંબર પણ ધરાવતાં હોતા નથી. અમે રજૂઆત કરવા જામનગર કચેરીએ ગયા હતાં.