Mysamachar.in:જામનગર
જામનગર જિલ્લામાં લાલપુર અને કાલાવડ તાલુકાના કેટલાંક ગ્રામ્ય વિસ્તારોમાં કાલે ગુરુવારે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન, કમોસમી વરસાદ અને કરા પડ્યા. કેટલાંક ગામોમાં તો એટલો વરસાદ પડયો કે, શેરીઓમાં અને કેટલાંક વાડીખેતરોમાં પાણી પણ વહેવા લાગ્યા. આ સાથે જ સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જામનગરમાં ગુરૂવારે આખો દિવસ પવન ગાજયો હતો.
જો કે, કાલનાં માવઠાં અંગે આજે કૃષિમંત્રી (જામનગર ગ્રામ્યના ધારાસભ્ય) રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં થયેલાં માવઠાંઓને કારણે ખેડૂતોને જે કાંઈ નુકસાન થયું છે તે અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારમાં સબમિટ કરી આપવામાં આવ્યો છે, મુખ્યમંત્રી સાથે વાતચીત પણ થઈ છે. ટૂંક સમયમાં, નુકસાન સહાય અંગે સરકાર જાહેરાત કરશે, ગુરુવારના માવઠાં અંગે કૃષિમંત્રીએ કહ્યું કે, આ સિઝનમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ખાસ કોઈ નુક્સાન થતું નથી. માર્ચ મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોને રવિ પાકોમાં નુકસાન થયું હતું.
આ ઉપરાંત કૃષિમંત્રીએ સુજલામ સુફલામ્ યોજના અંગે પણ મીડિયા સમક્ષ વાત કરી હતી. તેઓએ એક પ્રશ્નનાં જવાબમાં સ્વીકાર કર્યો હતો કે, ભૂતકાળમાં સુજલામ સુફલામ્ યોજના હેઠળ ગેરરીતિઓ થઈ હતી એ અલગ વાત છે. સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, આ યોજનામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. રાજ્ય સરકાર રાજ્યમાં વધુમાં વધુ જળસંચય થાય તે માટે કટિબદ્ધ છે. અને તે પ્રકારનાં કામો સરકારની હાલ પ્રાથમિકતા પણ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા પંચાયત હસ્તક તળાવો ઉંડા ઉતારવા અને ચેકડેમો સમારકામ જેવાં જળસંચયનાં વિવિધ કામોમાં અનેક પ્રકારની ગોબાચારીઓ કર્મચારીઓ અને અધિકારીઓ લેવલે ચાલતી રહેતી હોય છે, જનપ્રતિનિધિઓ પણ આવી બાબતો અંગે બહુ ગંભીર હોતાં નથી. ઘણાં કિસ્સાઓમાં આંખ આડા કાન પણ થતાં હોય છે. કૃષિમંત્રીએ સુજલામ સુફલામ્ યોજના અંગે જે પ્રકારની સ્પષ્ટતા કરી છે, એટલી ચોક્કસ રીતે જામનગર જિલ્લા પંચાયતમાં આ યોજનાનાં કામો થાય છે કે કેમ ? એ ખરેખર તો તપાસનો વિષય લેખાવી શકાય !