Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં એક તરફ માવઠાંની મોંકાણ ચાલી રહી છે, બીજી તરફ સંભવિત વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થવા અંગે અહેવાલો પ્રગટ થઈ રહ્યા છે અને સ્થાનિક કક્ષાએ આવી પડનારી સ્થિતિઓ સંબંધે કેટલીક તૈયારીઓ ચાલી રહી છે. એ દરમ્યાન કૃષિમંત્રીએ જામનગરના મીડિયાકર્મીઓ સાથે કેટલીક મહત્વપૂર્ણ વાતચીત કરી હતી અને જાણકારીઓ શેર કરી હતી.

કૃષિમંત્રી રાઘવજી પટેલએ જામનગર સર્કીટ હાઉસ ખાતેની આ મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજ્યના કેટલાંક વિસ્તારોમાં માવઠાંનો માર પડી રહ્યો છે. ખેડૂતોએ ઉનાળામાં જે પાકોનું વાવેતર કર્યું છે તેમાં આ માવઠાંને કારણે નુકસાન થઈ રહ્યું છે. આ સંબંધે દરેક માવઠાંગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાકક્ષાએથી નુકસાનીની વિગતો એકત્ર કરવા સર્વે કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. આ સર્વેની વિગતો રાજ્યકક્ષાએ પહોંચ્યા બાદ તે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત કૃષિમંત્રીએ હાલની કમોસમી વરસાદની સંભવિત સ્થિતિઓ તથા વાવાઝોડા સંબંધે હવામાન વિભાગ દ્વારા થતી આગાહીઓ ધ્યાન પર લઈ તે બાબતે તમામ માર્કેટ યાર્ડ સત્તાવાળાઓ તથા સંબંધિત માછીમાર સમૂહોને પણ સાવધ રહેવા તાકીદ કરી હતી અને કહ્યું હતું કે, સરકાર દ્વારા આ તમામ બાબતો અંગે સંબંધિત વિભાગોને વખતોવખત સ્ટેન્ડિંગ સૂચનાઓ આપવામાં આવતી હોય છે.
