Mysamachar.in-ગાંધીનગર;
ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી રાજય સરકાર ખેડૂતોને હર હંમેશ સહાયરૂપ થઈ રહી છે. એટલું જ નહીં, કુદરતી આપત્તિઓ, ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી, ખેડૂતોના હિતમાં નવીન આયામોના અમલીકરણ અને સોલાર યોજના થકી ખેડૂતોને ખેતી માટે પુરતી વીજળી અને પાણી મળી રહે તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજયના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે સોલર પાવર યુનિટ કીટ ખરીદી માટે સહાયની નવીન યોજનાનો રાજય વ્યાપી શુભારંભ કરાવતાં કહ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. રાજય સરકાર દ્વારા ખેડૂતોના સોનેરી મુલક પાકને રખડતાં ઢોર તેમજ વન્ય પ્રાણીઓથી રક્ષણ આપવા માટે આ નવીન યોજના શરૂ કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું કે, રાજયમાં હાલ આ માટે લોખંડની કાંટાળી તારની વાડની યોજના કાર્યરત છે જે અંતર્ગત ખેડૂતોને ક્લસ્ટરના ધોરણે લાભ મળે છે ત્યારે વધુને વધુ ખેડૂતો ને સહાયરૂપ થવા માટે રાજય સરકારે આ સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીની વ્યકિતગત નવીન યોજના એક વિકલ્પ રૂપે શરૂ કરી છે. આ માટે વર્ષ 2022/23 દરમિયાન રૂ.20,00 કરોડની જોગવાઈ પ્રથમ વર્ષે જ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 13070 ખેડૂત ખાતેદારોને વન્ય/રખડતાં પ્રાણીઓથી પાકના રક્ષણ માટે સોલાર પાવર યુનિટ/કીટમાં ગુણવત્તા યુક્ત ENERGIZER, સોલાર પેનલ, બેટરી, EARTHING SYSTEM, HOOTER (એલાર્મ), MODULE STAND ખરીદ કરવા માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 15,000 મુજબ ખાતા દીઠ સહાય આપવામાં આવશે.
કૃષિમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતોના કૃષિ ઇનપુટસની જાળવણી, જણસીઓનો સંગ્રહ અને મૂલ્ય વૃદ્ધિ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ HDPE (High Density Poly Ethylene) માર્કવાળા પ્લાસ્ટિકના ડ્રમ (200 લિટર) તેમજ 10 લિટરના બે ટોકર(ટબ) કીટ ખરીદ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ માટે ચાલુ વર્ષે રૂ 141 કરોડની મંજૂરી મળી છે. જે હેઠળ અંદાજિત 7 લાખ ખેડૂત લાભાર્થીઓને કીટની ખરીદ કિમત અથવા રૂ.2000 લેખે સહાય આપવામાં આવશે. આ યોજના માટે i-khedut પોર્ટલ મારફત 13.92 લાખ અરજી મળી છે. જેનો ડ્રો કરી દિવ્યાંગ તથા મહિલા લાભાર્થીઓને અગ્રતા ક્રમ આપી કિટ ખરીદી માટે પુર્વ મંજુરી આપવાનો આજથી શુભારંભ કરાયો છે.
કૃષિમંત્રીએ ઉમેર્યું કે, ખેડૂતોને ગુણવતાવાળા અને વ્યાજબી કિંમતવાળા રાસાયણીક ખાતરો, ગુજરાત એગ્રો દ્વારા ઉત્પાદીત જૈવિક પ્રવાહી ખાતરો, જંતુનાશક દવાઓનુ વિતરણ, આધુનિક વૈજ્ઞાનિક ખેત પધ્ધતીની માહીતી તેમજ રાજય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનુ અમલીકરણ સઘન રીતે થાય એ માટે રાજયમાં નવા ૫૫ ઉમેદવારોને નવીન એગ્રી બિઝનેસ સેન્ટર સ્થાપવાની મંજુરી આજે આપવામાં આવી છે. જે સેન્ટરો આજથી કાર્યરત થઈ જશે. હાલ રાજ્યમાં કુલ: 14,00 થી વધુ એગ્રી બિઝનેશ સેન્ટરો અને એગ્રી સર્વિસ સેન્ટરો કાર્યરત છે. તેમ તેમણે ઉમેર્યું હતું.