Mysamachar.in: જામનગર
હજારો લાખો યુવતિઓ અને મહિલાઓ વાહનો ચલાવતી હોય છે પરંતુ જો એમના વાહનનો નાનો સરખો પણ અકસ્માત થઈ જાય તો આ મહિલાઓ ખૂબ જ ગભરાઈ જતી હોય છે. આવો જ એક બનાવ બાલાચડી નજીક ખીરી ગામ પાસે બન્યો છે. આ અકસ્માત ઘાતક સાબિત થયો છે. એક યુવકનો ભોગ લેવાઈ ગયો છે.
આ અકસ્માતની વિગતો અનુસાર, બાલાચડી નજીક આવેલાં ખીરી ગામ પાસે ખીરી સર્કલ વિસ્તારમાં એક યુવાન ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે ધસી આવેલી એક કારે આ યુવાનને હડફેટમાં લઈ લીધો. આ યુવાનને ગંભીર ઈજાઓની તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલો પરંતુ આ યુવાનને બચાવી શકાયો નથી. આ અકસ્માત અંગે પોલીસમાં નિર્મલભાઈ હાંસદાએ મહિલા કારચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.
આ અકસ્માતમાં મોતનો શિકાર બની જનાર 46 વર્ષના મદન મહંતો આ કેસના ફરિયાદી નિર્મલભાઈના સંબંધી હતાં. ફરિયાદી અહીં ખીરીમાં કોલ કંપનીમાં કામ કરે છે અને ઝારખંડના વતની છે. પોલીસમાં લખાવવામાં આવ્યું છે કે, કારચાલક મહિલાનું નામ જયશ્રી પટેલ છે, અકસ્માત બાદ આ મહિલા નાસી ગઈ હતી.