Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની એક શાળા ઘણાં સમયથી વિવાદમાં છે, આ શાળાના 3 શિક્ષકોને અગાઉ ‘સજા’ થયા બાદ હવે આ જ શાળાના મહિલા આચાર્ય વિરુદ્ધ પણ પગલાંઓ લેવાશે. ઉપરથી લીલીઝંડી મળી ગઈ છે.
જામનગરના પોલીસ હેડકવાર્ટર પાછળ આવેલી સમિતિ હસ્તકની શાળા નંબર 29 લાંબા સમયથી વિવાદી રહી છે. અહીંના મહિલા આચાર્ય દ્વારા 3 શિક્ષક વિરુદ્ધ થયેલી રજૂઆત-ફરિયાદ બાદ, થોડા સમય અગાઉ આ શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ હતી અને ઈજાફા અટકાવવા તેમજ બદલીઓના આદેશનો અમલ થયો. આ જ શિક્ષકોએ મહિલા આચાર્ય વિરુદ્ધ વળતી ફરિયાદ કરેલી, એમાં પણ ગાંધીનગરથી આદેશ થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ મહિલા આચાર્ય શહેરના શાસકપક્ષના એક વજનદાર હોદ્દેદારના અત્યંત નજીકના ‘સગા’ હોવાની વિગતો પણ ચર્ચાઓમાં છે. જો કે આ હોદ્દેદારને આ શાળાના, આ વિવાદી મામલા સાથે કોઈ જ લેવાદેવા નથી.
-સમિતિના શાસનાધિકારીએ જણાવ્યું કે…
આ સમગ્ર પ્રકરણ અંગે આજે સવારે Mysamachar.in દ્વારા, સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો. એમના કહેવા અનુસાર, આ વિવાદીત શાળાના આચાર્યનું નામ દીપા મહેતા છે. એમના વિરુદ્ધ 3 શિક્ષકોએ સામી રજૂઆત-ફરિયાદ કરી હતી, જે સંબંધે વડી કચેરીને વિસ્તૃત જાણકારીઓ આપવામાં આવી હતી. ગાંધીનગરથી નિયામક કચેરીએ કહ્યું છે કે, રજૂઆત અને રિપોર્ટ અનુસંધાને આ આચાર્ય વિરુદ્ધ જરૂરી અને નિયમાનુસારની કાર્યવાહીઓ કરવામાં આવે અને શિક્ષાત્મક પગલાંઓ ભરવામાં આવે.
આમ, લાંબા સમયથી શિક્ષકો અને આચાર્ય વચ્ચેનો આ વિવાદ હવે સૂલટાવા તરફ આગળ વધ્યો. બંને પક્ષની ફરિયાદો આધારે કાર્યવાહીઓ થઈ. બધાંને અલગઅલગ સ્થાન પર નોકરી કરવા, શાંતિથી નોકરી કરવા આદેશ થયા છે. આમ થવાથી વાલીઓ હવે આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે, આ શાળામાં હવે વાતાવરણ સામાન્ય બની શકશે.
