Mysamachar.in: જામનગર
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ થતાં જ સમગ્ર ગુજરાતમાં તંત્રો તેનો ‘તાપ’ અનુભવી રહ્યા છે અને અમે દોડી રહ્યા છીએ એવો સૌ દેખાડો કરી રહ્યા છે, આ હકીકત વચ્ચે જાહેર થયું છે કે, જામનગરમાં કરોડો રૂપિયાના ખર્ચથી બનેલી સરકારી જીજી હોસ્પિટલમાં ફાયર NOC આજની તારીખે રિન્યુ થયું નથી. અને બીજી તરફ વાત એમ છે કે, જીજી હોસ્પિટલમાં રાજકોટ અગ્નિકાંડ બાદ જ આ દોડધામ શરૂ થઈ છે, અત્યાર સુધી છેલ્લા 6 મહિનાથી લોલંલોલ ચાલતું હતું.
Mysamachar.in ને એવી આધારભૂત વિગતો સાંપડી હતી કે, જામનગરની જીજી હોસ્પિટલના કરોડોની કિંમતની નવી ઈમારતમાં ફાયર સેફટી NOC મુદ્દે લાલિયાવાડીઓ ચાલી રહી છે, આથી આ મુદ્દે હોસ્પિટલ સત્તાવાળાઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો.
જામનગરની જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દીપક તિવારી Mysamachar.in ને જણાવે છે કે, છેલ્લા 6 મહિનાથી જીજી હોસ્પિટલની નવી ઈમારત (700 બેડની હોસ્પિટલ)નું ફાયર NOC રિન્યુ થઈ શક્યું નથી. 6 મહિનાથી આ પ્રોસેસ ચાલી રહી છે. FSO દ્વારા હજુ સુધી ફાયર NOC રિન્યુ કરી આપવામાં આવ્યું નથી. FSO તરીકે સરકાર વતી કામ કરતાં આ ખાનગી અધિકારી દ્વારા નવી ઈમારતનું ચેકિંગ ઈન્સ્પેક્શન કરી લેવામાં આવ્યું છે. અગ્નિશમન માટેના બાટલાં બધે જ લગાડેલા છે. ઈન્સ્પેક્શન પ્રોસેસ પૂર્ણ થઈ છે પરંતુ સત્તાવાર રીતે હજુ રિન્યુ પ્રમાણપત્ર હોસ્પિટલને મળી શકેલ નથી. આગામી નજીકના દિવસોમાં આ પ્રમાણપત્ર મળી જશે.

અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે કે, આ ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સીમાં હોસ્પિટલ સત્તાવાળાઓએ ઘણાં સમયથી આ રિન્યુઅલ માટે નાણાં જમા કરાવી દેવામાં આવ્યા હોવા છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા અંતિમ ચેકિંગ ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું ન હતું. રાજકોટ અગ્નિકાંડ બાદ જ તેણે ઝડપાઈ જવાના ડરે આ પ્રોસેસ હાથ ધરી. હજુ જો કે પ્રમાણપત્ર તો આપ્યું જ નથી.
અત્રે ઉલ્લેખનિય છે કે, દર મહિનાની છઠ્ઠી તારીખે હોસ્પિટલમાં ફાયર અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા ફાયર સંબંધિત મોકડ્રીલ કરવામાં આવે છે. પરંતુ ફાયર પ્રિવેન્શન સિસ્ટમ માટેનું ફાયર NOC રિન્યુઅલ આટલાં લાંબા સમયથી પડતર રાખવામાં આવેલું. રાજકોટ અગ્નિકાંડ સર્જાતા જામનગરની આ મહત્ત્વની હોસ્પિટલને રેલો આવ્યો છે. ખરેખર તો રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ એવા કલેક્ટરે આ કોન્ટ્રાક્ટર એજન્સીને આ બેદરકારીઓ અંગે ખખડાવવી જોઈએ. ખુલાસો પૂછવો જોઈએ. આવી ગંભીર બેદરકારીઓ શા માટે ચલાવી લેવી જોઈએ ?!

આજે ફાયર NOC રિન્યુઅલ સર્ટિફિકેટ મળી ગયું
છેલ્લા બે દિવસથી જીજી હોસ્પિટલ સત્તાવાળાઓ સાથે Mysamachar.in દ્વારા આ મુદ્દે સતત ફોલો અપ લેવામાં આવી રહ્યું હતું અને આ ફોલો અપના અંતે આજે શનિવારે બપોરે આ સમાચાર તૈયાર કરવામાં આવ્યા, અને બરાબર એ જ સમયે (બપોરે બારના ટકોરે) જીજી હોસ્પિટલ તબીબી અધિક્ષક ડો. દીપક તિવારીએ અમારાં સમક્ષ આ સર્ટિફિકેટ જાહેર કરી કહ્યું છે કે, આજે અત્યારે આ ફાયર NOC રિન્યુઅલ પ્રમાણપત્ર મળી ગયું છે.