Mysamachar.in-અમદાવાદઃ
ડુંગળી, લસણ, સિંગતેલ અને હવે બટાટાના ભાવમાં બેગણો વધારો આવ્યો છે. સામાન્ય રીતે 10-15 રૂપિયા કિલો મળતાં બટાટાના ભાવ હાલ 25-30 રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે. નિષ્ણાંતોનું કહેવું છે કે માંગ કરતાં બટાટાની આવકમાં 50 ટકા જેટલો ઘટાડો આવ્યો છે. સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆતમાં બટાટાની વાવણી થતી હોય છે, પરંતુ આ વખતે વધુ વરસાદ અને કમોસમી વરસાદને કારણે બટાટાના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. તો વાવણી કરાયેલા નવા બટાટાને માર્કેટ સુધી પહોંચવામાં હજુ એક મહિનાનો સમય લાગી શકે છે. ઉત્તરપ્રદેશ, ગુજરાત સહિતના જિલ્લાઓમાં બટાટાની વિપુલ માત્રામાં વાવણી થઇ છે, પરંતુ આ વખતે વરસાદને કારણે સીઝન ખોરવાઇ છે જેની સીધી અસર માર્કેટમાં દેખાશે એ સ્વાભાવીક છે. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય દેશો સાથે કરાર ન હોવાથી અને પૂરતી વાવણી કરતું હોવાથી ભારત વર્ષોથી અન્ય દેશો પાસેથી બટાટાની ખરીદી કરતું નથી. મોટાભાગના વેપારીઓનું કહેવું છે કે બટાટાનો પાક જ્યાં સુધી માર્કેટમાં નહીં આવે ત્યાં સુધી ભાવ વધારો રહી શકે છે.