Mysamachar.in-જામનગર:
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ?! સર્વત્ર આ પ્રશ્ન ચર્ચામાં છે. ખાસ કરીને, આગામી નજીકના સમયમાં એટલે કે, દિવાળી પછી તરત જ ચૂંટણીના પડઘમો તીવ્રતાથી વાગવાના શરૂ થનાર હોય, ચૂંટણીનાં સંભવિત ઉમેદવારોનાં લિસ્ટ પર, નજર ફેરવી વડાપ્રધાન આખરી મહોર લગાવશે એવું સમજાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન દસમી ઓક્ટોબરે જામનગર-ભરૂચના પ્રવાસે આવી રહ્યા છે પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સતાવાર વિગતો બહાર આવી નથી. 10 ઓક્ટોબર પહેલાં જ વડાપ્રધાન ગુજરાત પ્રવાસ શરૂ કરી દેશે એવું સૂત્રોનું માનવું છે.
જામનગરમાં ખાસ કરીને શાસકપક્ષમાં ટિકિટ વાંચ્છુઓની સંખ્યા મોટી હોય, વડાપ્રધાનનાં આગમન પર સૌની નજર છે. વડાપ્રધાનનાં આગામી ગુજરાત પ્રવાસમાં સંભવિત 10 મી ઓક્ટોબર ( શરદપૂર્ણિમા પછીનાં દિવસો) જામનગર તથા ભરૂચ માટે ફાળવવામાં આવે તેવી શક્યતા વધુ છે. જો કે, આ માટે પૂર્વ તૈયારીઓ અંગે જામનગર કલેકટરોટને આગામી ગણતરીના કલાકોમાં જ ગાંધીનગરથી સત્તાવાર સંદેશો મળવાનું ચર્ચાઈ રહ્યું છે. વડાપ્રધાનની આ સંભવિત મુલાકાતનો જામનગર સહિત સમગ્ર હાલારમાં ભારે ઈંતજાર થઈ રહ્યો છે. જામનગર ભાજપામાં જબરો સળવળાટ શરૂ થયો છે પરંતુ ફાઈનલ અને સતાવાર વિગતો હવે પછી બહાર આવશે એવું સમજાઈ રહ્યું છે.